લોકસભા ચૂંટણી પહેલા અજાણ્યા બુટલેગરોએ અવાવરૂ જગ્યામાં દારૂ-બિયરની ખેપ ઉતારી
વિદેશી દારૂની 1440 બોટલ અને બિયરના 72 ટીન મળી કુલ રૂા. 6.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો
ભાવનગર : લોકસભાની ચૂંટણી પહેલા અજાણ્યા બુટલેગરોએ રસિયાઓ માટે દારૂ અને બિયરની મોટી ખેપ ઉતારી હોવાની બાતમીના આધારે પોલીસે રાણપુરના રેલવે ફાટક પાસે આવેલી અવાવરૂ જગ્યામાં દરોડો પાડી ૬.૪૭ લાખથી વધુની કિંમતનો વિલાયતી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાણપુરના રાણપુર-બરવાળા રોડ પર આવેલા રેલવે ફાટક પાસે અવાવરૂ જગ્યામાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે રાણપુર પોલીસે મધરાત્રિના સમયે રાણપુર રેલવે ફાટક પાસેની અવાવરૂ જગ્યામાં રેઈડ કરી હતી. પોલીસે પગપાળા જઈ કેડી માર્ગે વાટ આગળ તપાસ કરતા અવાવરૂ પડતર જમીનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ કંપનીની બોટલ નં.૧૪૪૦ અને બિયરના ટીન નં.૭૨ (કિ.રૂા.૬,૪૭,૦૧૬)નો મુદ્દામાલ મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની રેઈડમાં કોઈ શખ્સ હાજર મળી ન આવતા પીએસઆઈ એચ.એ.વસાવાએ અજાણ્યા બુટલેગર સામે પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (ઈ) , ૧૧૬-બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ મહિલા પીઆઈ કે.એસ.દેસાઈએ હાથ ધરી છે.