રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલાને સૂર્યતિલક કરવામાં આવ્યું છે. ત્યારે રામલલાને સૂર્યતિલક કરવામાં આદિત્ય-L1 બનાવનારી સંસ્થાના વિજ્ઞાનીઓએ કરામત કરી છે.
બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ સંસ્થાના વિજ્ઞાનીઓ સાથે મંદિરના નિર્માણ દરમિયાન સંપર્ક કરાયો હતો. કહેવાયું છે કે, તમે શ્રીરામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં પ્રકાશની એવી વ્યવસ્થા કરો કે રામનવમીના અવસરે સૂર્યના કિરણો સીધા પ્રભુ શ્રીરામના લલાટની વચ્ચોવચ પડે. આ એજ સંસ્થા છે જેના વિજ્ઞાનીઓએ ઈસરોની સાથે મળીને સૂર્યની સ્ટડી માટે આદિત્ય-L1 મોકલ્યું છે.
અયોધ્યામાં રામલલાની આ પહેલી રામનવમી હતી. ટ્રસ્ટે વૈદિક રીતિરિવાઝથી વિશેષ પૂજા અર્ચના કરાવી. આ વખતે ખાસ રીતે ભગવાન શ્રીરામના માથા પર સૂર્યતિલક પણ લાગ્યું. તેના માટે વિજ્ઞાનીઓએ ઓપ્ટિકલ મિકેનિકલ સિસ્ટમ બનાવી હતી. આ સિસ્ટમને લગાવવા માટે IIAના વિજ્ઞાનીઓની એક ટીમે કામ કર્યું.
સંસ્થા શ્રીરામના લલાટ પર સૂર્યતિલક માટે સતત સૂર્યની પોઝીશનની સ્ટડી કરતી રહી. તેના રસ્તાને ટ્રેક કરતા રહ્યા. મંદિર હજુ પૂર્ણ બન્યું નથી. તેના માટે ટીમને હાલના નિર્માણના આધાર પર કામ કરવાનું હતું. બપોરે 12 વાગ્યે સૂર્ય કઈ પોઝિશનમાં રહેશે, તેના આધારે મોનિટરિંગ ચાલતુ રહ્યું.
ચાર લેન્સ, ચાર કાચ અને બધાની યોગ્ય પોઝિશન થઈ કારગર
પછી સૂર્યતિલક માટે સૂર્યનો પ્રકાશ શ્રીરામલલાની મૂર્તિના માથાની વચ્ચોવચ પહોંચાડવા માટે ચાર લેન્સ અને ચાર કાચની જરૂર પડી. હજુ આ સિસ્ટમ અસ્થાઈ રીતે લગાવાઈ છે. જ્યારે મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, ત્યારે આ સિસ્ટમને કાયમી રીતે લગાવાશે. જેથી દર વર્ષે રામનવમી પર શ્રીરામના લલાટનું તિલક થતું રહે.
કેવી રીતે કામ કરે છે ઓપ્ટિકલ મિકેનિકલ સિસ્ટમ?
સામાન્ય વૈજ્ઞાનિક ભાષામાં તેને પોલરાઈઝેશન ઑફ લાઈટ બોલી શકીએ છીએ. એટલે પ્રકાશને કેન્દ્રીત કરીને એક જગ્યાએ ફેંકવો. તેના માટે લેન્સ અને કાચનો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિક જે જગ્યા પર સૂર્યના કિરણોને એક જગ્યાએ કેન્દ્રીત કરવા માગે છે તેને લેન્સ અને કાચથી કરી દે છે. IIAના વિજ્ઞાનીઓએ ઓપ્ટિકલ મિકેનિકલ સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રભુ શ્રીરામના લલાટ પર સૂર્યના કિરણોને ચાર લેન્સ અને ચાર કાચની મદદથી કેન્દ્રિત કર્યા. ત્યારે સફળ થયું સૂર્યતિલક.
દર વર્ષે ચૈત્ર રામનવમી પર આ ટેકનિકથી થશે સૂર્યતિલક
વૈજ્ઞાનિક અને સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ભારત સરકારે પોતાના X હેન્ડલ પર જણાવ્યું કે, દરેક રામનવમી પર આ રીતે સૂર્યતિલક થશે. તેમણે એ વાત પર IIAના વિજ્ઞાનીઓને શુભેચ્છા આપતા કહ્યું કે તમે લોકોએ મોટું કામ કર્યું છે. જે રીતે હાલ મંદિરમાં કામ ચાલી રહ્યું છે, તેના હિસાબથી સૂર્યતિલક લગાવવું સરળ ન હતું. મંદિર સંપૂર્ણ તૈયાર થયા બાદ વિજ્ઞાનીઓ એક કાયમી સ્ટ્રક્ચર સૂર્યતિલક કરવા માટે તૈયાર કરી દેશે.