વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રેતી માફિયાઓ બેફામ થતા જાય છે તાલુકાના નટવરનગર પાસે મહી નદીમાંથી ગેરકાયદે થતા રેતી ખનન અંગેની ફરિયાદ કરતા ગામના યુવાન ઉપર રેતી માફિયાઓએ હુમલો કરી માર માર્યો હતો.
નટવરનગર ગામમાં રહેતા મહેશ તખતસિંહ મહિડાએ પોતાના ગામમાં રહેતા અને રેતી ખનનના ધંધા સાથે સંકળાયેલા હંસરાજ ઉકાભાઇ મહિડા, તેના પિતા હુકાભાઈ તેમજ અજીત મહિડા અને તેના પુત્ર રવિ સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખાનગી કંપનીમાં નોકરી કરું છું. સવારે હું બાઈક પર નોકરી પર ગયો હતો અને બપોરે નોકરી પરથી છૂટીને વડોદરામાં કુબેર ભવન ખાતે ખાણ ખનીજની ઓફિસમાં જઈ નટવરનગર બહિધરા ખાતે મહી નદીમાંથી ગેરકાયદે થતા રેતી ખનન અંગે ફરિયાદ કર્યા બાદ હું વડોદરાથી નટવરનગર પરત ઘેર આવવા નીકળ્યો હતો.
સાંજે 4:00 વાગ્યાની આસપાસ રાણીયા ટુંડાવ ત્રણ રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે ઉપરોક્ત ચારેય શખ્સોએ મારી બાઈક રોકી ઉભો રાખ્યો હતો અને તું કેમ ખાણ ખનીજની રેડ પડાવે છે. અગાઉ પણ તે અમોને પાંચ લાખનું નુકસાન કરાવ્યું છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. મેં અપશબ્દો બોલવાની ના પાડતા મને માર માર્યો હતો અને ધમકી આપી કે ફરીવાર ખાણ ખનીજવાળાને જાણ કરીશ કે નદીએ ગાડીઓ બોલાવી રેડ પડાવીશ તો તને જાનથી મારી નાખીશું. ઉપરોક્ત બનાવની ફરિયાદના પગલે ભાદરવા પોલીસે રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે નટવરનગર પાસેથી પસાર થતી મહી નદીના કાંઠે મોટાપાયે ગેરકાયદે ખનન થાય છે. તેવી અનેક ફરિયાદો છેક ગાંધીનગર સુધી કરવામાં આવી છતાં ખાણ ખનીજના અધિકારીઓ રેતી માફીયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના આક્ષેપો પણ થયા છે.