પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલ કેસમાં ભાજપ નેતા જી.દેવરાજ ગૌડાની પણ ધરપકડ કરવામાં આવી છે. ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ. દેવરાજે ગૌડાની શુક્રવારે રાત્રે હાસન ખાતેથી જનતા દળ સેક્યુલર(જેડીએસ) સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંબંધિત અશ્લીલ વીડિયો કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આપી આ માહિતી
પોલીસના જણાવ્યા અનુસાર, દેવરાજે ગૌડાને હિરીયુર પોલીસે ચિત્રદુર્ગ જિલ્લાના ગુલિહાલ ટોલ નાકા પર પેન ડ્રાઈવ દ્વારા વીડિયો લીક કરવા બદલ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, હાસન પોલીસ પાસેથી મળેલી બાતમીના આધારે ગૌડાની ધરપકડ કરવામાં આવી હતી.
જેડીએસ સાંસદ હજુ ફરાર છે…
કર્ણાટકમાં 26 એપ્રિલના રોજ મતદાન પહેલા પ્રજ્વલ સાથે કથિત રીતે સંબંધિત કેટલાક અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. દેવરાજે ગૌડા પર આ વીડિયો લીક કરવાનો આરોપ છે, જેને તેમણે સંપૂર્ણપણે ફગાવી દીધા છે. એક મહિલાએ દેવરાજ ગૌડા સામે જાતીય સતામણીનો કેસ પણ નોંધાવ્યો હતો. આરોપ છે કે તેણે પોતાની મિલકત વેચવાના નામે મહિલાની છેડતી કરી હતી.
શું આ કારણે વીડિયો લીક થયા…
2023માં ગૌડાએ પ્રજ્વલના પિતા એચ.ડી. રેવન્ના સામે હોલેનારસીપુરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. જ્યારે ગૌડાનું કહેવું છે કે પ્રજ્વલના વીડિયો તેમણે નહીં પરંતુ કોંગ્રેસે લીક કર્યા છે. ગૌડાએ કહ્યું કે તેમણે અગાઉ પણ ભાજપ નેતૃત્વને ચેતવણી આપી હતી કે પ્રજ્વલને હાસન લોકસભા બેઠક પરથી ટિકિટ ન આપવી જોઈએ. જોકે, જેડીએસ અને ભાજપ વચ્ચે ગઠબંધન થયા બાદ માત્ર પ્રજ્વલને જ ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા.