ભડીયાદરનો યુવાન લૂંટેરી દુલ્હનમાં ફસાયો દલાલોઓએ રૂ. 1.75 લાખ લઈ લગ્ન કરાવી આપ્યા હતા, યુવાનના ભાઈની ઊના પોલીસમાં લેખિત અરજી
ઊના : ઊના તાલુકાના ભડીયાદર ગામનો યુવાન લૂંટેરી દુલ્હનની જાળનો શિકાર બની ગયો હતો. દલાલોએ તેની પાસેથી રૂ. 1.75 લાખ લઈ મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરાવી આપ્યા હતા. લગ્નના છ દિવસમાં જ યુવતી સોના-ચાંદીના દાગીના લઈ રફુચક્કર થઈ જતા યુવાનના ભાઈએ ઊના પોલીસમાં લેખિત ફરિયાદ અરજી આપી તપાસની અરજ કરી છે.
તાલુકાના ભડીયાદર ગામે રહેતા કાનજીભાઈ પુનાભાઈ માળવીએ ઊના પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, તેના ભાઈ રામભાઈના લગ્ન થતા ન હોવાથી લાયક યુવતીની તપાસ કરવા બહેન નાથીબેને ગામમાં રહેતા રમેશભાઈ ટાંકને વાત કરતા જાણવા મળ્યું હતું કે સુરતના દલાલ સાથે પરિચય છે અને તે રૂપિયા લઈ લગ્ન કરાવી આપે છે. ત્યારબાદ રમેશ ટાંકે સુરતના દલાલ વેદુભાઈ, જીતુભાઈ સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. બાદમાં કાનજીભાઈ તેની બહેન નાથીબેન અને ભાઈ રામભાઈને સાથે લઈ સુરત ગયેલા જ્યાં દલાલને મળી મહારાષ્ટ્રના થાણામાં જગન્નાથ ચાલીમાં રહેતી સીમા નામની યુવતી સાથે મુલાકાત કરાવી લગ્નનું નક્કી કરી રૂપિયા 1 લાખ 75,000 રોકડા આપી યુવતીને સોનાનો ચેઇન , સોનાની વીંટી, સોનાનો નાકનો દાણો, ચાંદીના ઝાંઝર સહિતના દાગીના ચઢાવ્યા હતા. ત્યારબાદ વકીલ પાસે લખાણ કરાવી એક બીજાને ફૂલહાર પહેરાવી લગ્ન સંપન્ન થયા હતા.
પરિવાર ખુશી ખુશી વતન ભડીયાદર આવી ગયો હતો પરંતુ યુવતી સાસરે આવી ત્યારથી સુરત દલાલ સાથે સતત ટેલીફોનીક સંપર્કમાં હતી. ગત તા. 18મે ના યુવતીને દાંતનો દુઃખાવો થતા ઊના ડોકટરને બતાવવા ગયેલા અને કેસ કઢાવી રાહ જોતા હતા. દરમ્યાન યુવતી બાથરૂમનું બહાનું બતાવી દવાખાનાની બહાર નીકળી ગયા બાદ પરત ન આવતા તુરંત તેની શોધખોળ પછી પણ કોઈ ભાળ મળી ન હતી. તેમજ તેને ફોન કરતાં ફોન પણ ન ઉપાડતા તુરંત દલાલને ફોન કર્યો હતો. જેમાં તેણે એવું કહેલું કે અમે લગ્ન રૂપિયા પાંચ લાખમાં કરાવીએ છે. તમને સસ્તામાં લગ્ન કરાવી આપ્યા છે અને યુવતી ચાર થી પાંચ દિવસમાં આવી જશે આથી હવે તમારે ફોન કરવો નહિ. આમ, યુવતી સીમા પરત ન આવતા છેતરાયા હોવાનું માલુમ પડયું હતું. ઘરેથી નાસી ગયેલી દુલ્હન સીમા 45 ગ્રામ સોનાના દાગીના અને ચાંદીના ઝાંઝર પણ સાથે લઈ ગઈ છે. આ બનાવમાં પોલીસે યુવાનના ભાઈની ઉપરોક્ત લેખિત ફરિયાદ અરજી લઇ આગળની તપાસ શરૂ કરી છે.