મંગળ ગ્રહ પર યૂરોપિયન અને રશિયન સ્પેસ એજન્સીને એક મોટી સફળતા મળી છે. તેમને મંગળ ગ્રહની સપાટી પર મોટા જથ્થામાં પાણી મળી આવ્યું છે. હકીકતમાં તેઓ યાન દ્વારા મંગળની સપાટી પર હાઈડ્રોજનની શોધ કરી રહ્યા હતા, પરંતુ આ યાન આટલી મોટી જાણકારી મેળવી લાવશે તે યૂરોપ અને રશિયાના વૈજ્ઞાનિકોને પણ અંદાજો નહીં હોય. ચાલો જાણીએ મંગળ ગ્રહના કયા ખૂણે આટલી મોટી માત્રામાં પાણી મળી આવ્યું છે.

યૂરોપિયન એજન્સી (ESA) અને રશિયન સ્પેસ એજન્સી (Roscosmos)ના મંગળયાન એક્સોમાર્સ ટ્રેસ ગેર ઓર્બિટર (ExoMars Trace Gas Orbiter)એ મંગળ ગ્રહના ગ્રાન્ડ કેનિયન વેલેસ મેરિનેરિસમાં મોટા જથ્થામાં પાણીની શોધ કરી છે. આ પાણી જમીનની સપાટીની નીચે છે.
હાઈડ્રોજનની શોધ કરવા ExoMars યાન મંગળની પ્રદક્ષિણા કરતું હતું
આ યાન મંગળ ગ્રહની ચારે બાજુ હાઈડ્રોજનની શોધ કરી રહ્યું હતું, જેથી મંગળમાં પાણી છે કે નહીં તેની શોધ કરી શકાય. પરંતુ અચાનક જ યાનને મેરિનેરિસ ગ્રાન્ડ કેનિયનની જમીનમાં મોટા જથ્થામાં પાણી મળી આવ્યું. આ જાણકારી મળતા જ યૂરોપ અને રશિયાના વૈજ્ઞાનિકો હેરાન રહી ગયા. કેમકે મંગળમાં પાણી છે તેનો અંદાજો કોઈને નહોતો.
આ અગાઉ ESAના માર્સ એક્સપ્રેસે પણ મંગળ ગ્રહ પર નીયર સરફેસ વોટરના પુરાવા એકઠા કર્યા હતાં. આ પાણી મંગળ ગ્રહની સપાટીથી ઉંડાણવાળા અને અંધકાર ધરાવતા વિસ્તારોમાં ખનીજો વચ્ચે હતું. પરંતુ તેનો જથ્થો ઓછો હતો.
એક્સોમાર્સ મંગળ ગ્રહની સપાટીની એક મીટર નીચે સુધીની જાણકારી મેળવી શકે છે
મોસ્કો સ્થિત સ્પેસ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ ઓફ ધ રશિયન એકેડમી ઓફ સાયન્સીસના વૈજ્ઞાનિક મિત્રોફાનોવનું કહેવું છે કે એક્સોમાર્સ ટ્રેસ ગેર ઓર્બિટર મંગળ ગ્રહની સપાટીની એક મીટર નીચે જોઈ શકે છે. તે એ પણ જાણકારી મેળવી શકે છે કે પાણીની હાજરી કઈ જગ્યાએ છે. તે યાનનું ટેલિસ્કોપ પાણી શોધવામાં માસ્ટર છે.