હોસ્પિટલ તંત્રના અણઘડ વહિવટથી દર્દીઓને હાલાકી
બે મહિના પહેલા ઈ-લોકાર્પણ કરેલું કરોડોના ખર્ચે તૈયાર નવું બિલ્ડિંગ નહીં ખોલાતા શોભાના ગાંઠિયા સમાન ધૂળ ખાય છે
વિરપુર : મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બે મહિના પહેલા જ ઈ-લોકાર્પણ કરેલી નવીન જનરલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન ધૂળખાતી બંધ પડી રહી છે. તો બીજી તરફ જૂની જનરલ હોસ્પિટલમાં જનરલ વોર્ડ ફૂલ જોવા મળતા દર્દીઓને લોબીમાં ખાટલાં નાખી સારવાર આપવામાં આવી રહી છે. જેને લઈ દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ
ગરીબ દર્દીઓ પૈસાના અભાવે વિનામૂલ્યે સારવાર કરાવવા માટે જનરલ હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે હોસ્પિટલ પાસે પૂરતા ઓરડા તેમજ ખાટલાઓ નહીં હોવાના કારણે દર્દીઓને બહાર સૂવાનો વારો આવ્યો છે. એક બાજુ આકરો તાપ અને અસહ્ય ગરમીની વચ્ચે દર્દીઓને બહારની લોબીમાં સુવડાવતા જનરાલ હોસ્પિટલો સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
જો સુવિધા ન હોય તો માનવામાં આવે, પરંતું અહીં તો રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને નવીન જનરલ હોસ્પિટલ બનવવામાં આવી અને તેનું બે મહિના પહેલા જ ઈ-લોકાર્પણ કરાયું છે. છતાં પણ આ હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં નહીં આવતા જુના બિલ્ડીંગમાં જ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
બીજી તરફ સરકારે યોગ્ય સારવાર મળે તે હેતુસર નવીન હોસ્પિટલનું અદ્યતન નિર્માણ કરવા છતાં પણ હાસ્પિટલ તંત્ર હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી ન મુકતા દર્દીઓ મોટી હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને બનેલી નવીન હોસ્પિટલ હાલ તો માત્ર શોભાના ગાંઠિયા સમાન ઉભી હોય અને ધૂળખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
આ સંદર્ભે લુણાવાડા સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. ભામીની પંડિતે કહ્યું હતું કે, અત્યારે ગરમીની સિઝન છે. પેશન્ટો હમણાં એક બે દિવસથી થોડા વધ્યા છે. હવે આપણે કોઈપણ દર્દીને પાછો મોકલીએ તે યોગ્ય નથી અને દર્દીઓને સારી સારવાર મળે તે ધ્યેય સાથે જ હું આગળ વધી રહી છું. એટલા માટે દર્દીઓને પાછા ન જવું પડે અને એમને સારવાર મળે એટલે વોર્ડ આખો ભરેલો છે તો બહાર એક-બે વોર્ડ આપવામાં આવ્યા છે.