હાલ કાળઝાળ ગરમીનું આક્રમણ ચાલુ છે ત્યારે હીટવેવને લીધે ગરમીથી થતા રોગોની સાથે સાથે ખાસ પાણીજન્ય રોગચાળો જોવા મળી રહ્યો છે. વડોદરા કોર્પોરેશનના ચોપડે ચાલુ મે મહિના દરમિયાન અત્યાર સુધીમાં ઝાડા અને પેટમાં દુખાવાના 949 કેસ નોંધાયા છે. જોકે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ઝાડા અને પેટમાં દુખાવાના 3954 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85 કેસ જોવા મળ્યા છે જેમાં માત્ર ચાલુ મહિનામાં ડેન્ગ્યુના 17 કેસ છે.
વડોદરા કોર્પોરેશનની આરોગ્ય સમિતિના પૂર્વ અધ્યક્ષના કહેવા મુજબ દર વર્ષે ઉનાળામાં આ પ્રકારના કેસો જોવા મળતા જ હોય છે. જેમાં એક કારણ સન સ્ટ્રોક તો છે જ તેની સાથે સાથે વેકેશનના આ દિવસોમાં લોકોનું બહારનું ખાવા પીવાનું ખૂબ વધી જાય છે. જેમાં ખાસ તો ઠંડા પીણા, કુલરનું પાણી, બરફ ગોળા, શેરડીનો રસ તેમજ હોટલો અને લારીઓ પર ખાણીપીણીના કારણે પાણીજન્ય રોગચાળો વધુ થાય છે.
કારણ કે આ બધા સ્થળે હાઇજેનિક બાબતો મુખ્ય કારણરૂપ રહે છે. લોકોએ બહાર ખાણીપીણી માટે વધુ જાગ્રત રહેવું જોઈએ. બરફ ગોળા, શેરડીનો રસ અને શરબતમાં વપરાતા બરફની ક્વોલિટીને લીધે પણ પાણીજન્ય રોગચાળો વકરે છે. જેમાં ટાઈ ફોઇડ, કમળો, મરડો, ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદો મુખ્યત્વે છે. ટેમ્પરેચર ડાઉન થશે અને જેવો વરસાદ શરૂ થશે એ સાથે મચ્છરજન્ય રોગચાળો દેખાશે. જેમાં ચિકનગુનિયા, મેલેરિયા અને ડેન્ગ્યુનું પ્રમાણ પણ વધી જશે.