વડોદરામાં મોડી રાત્રે ન્યાય મંદિર સાધના ટોકીઝ પાસે જાહેરમાં મારામારી કરતા ચાર લોકો સામે વાડી પોલીસે મારામારીનો ગુનો દાખલ કર્યો છે. સંવેદનશીલ વિસ્તારમાં બે કોમના યુવકો વચ્ચે થયેલી મારામારીના પગલે દોડધામ મચી ગઈ હતી.
શહેરના તમામ વિસ્તારમાં મોટાભાગે રાત્રે 11:00 વાગે ખાણીપીણીની લારીઓ બંધ થઈ જતી હોય છે. પરંતુ પોલીસની રહેમ નજર ના કારણે ન્યાય મંદિર વિસ્તારમાં આખી રાત ખાણીપીણીની લારીઓ ચાલુ હોય છે. થોડા સમય પહેલા આ મુદ્દે પી.આઈ એને કોન્સ્ટેબલ વચ્ચે પણ માથાકૂટ જાહેરમાં થતા તમાશો સર્જાયો હતો.
ગઈકાલે રાત્રે ન્યાય મંદિર સાધના ટોકીઝ પાસે પૈસાની લેવડદેવડના મુદ્દે પ્રતાપ મડઘાની પોળમાં રહેતો વિજય નિરંજન ઠાકોર અને તેના ભાઈ જય અને અન્ય યુવકો હાજી ઉસ્માન ઇલાયચી વાલા (રહે. ઉત્તમ ચંદ ઝવેરીની પોળ, પાણી ગેટ રોડ) તથા શકીલ અબુબકર સોદાગર (રહે. ભદ્ર કચેરી પાસે પાણીગેટ) વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ હતી. જેના પગલે દોડધામ મચી ગઈ હતી અને પોલીસે સ્થળ પર પહોંચી ચારેયને ઝડપીને ગુનો દાખલ કર્યો છે.