વડોદરાના ડભોઇ રોડ મહાનગર વુડાના મકાનમાં રહેતા ઉષાબેન વિક્રમભાઈ રાજપૂતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા વુડાના મકાનમાં રહેતા મુકેશભાઈ વાઘેલાને મેં ધર્મના ભાઈ બનાવ્યા છે. તેઓ તેમના પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે 9:00 વાગે હું મારા ઘરે જમવા બેઠી હતી તે વખતે મારા ધર્મના ભાઈ મુકેશભાઈ વાઘેલાની દીકરી સુનીતાનો મારા પર ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે મારા ભાઈ અનિલ તથા દીપક સાથે આકાશ અને તેના બે મળતીયાઓ થ્રી વ્હીલર ટેમ્પો હટાવવા બાબતે ઝઘડો કરે છે અને માર મારે છે.
જેથી હું મારા બ્લોકની નીચે ગઈ હતી અને ત્યાં મેં જોયું તો આકાશ તથા તેના બે સાગરીતો અનિલ અને દીપક સાથે બોલાચાલી ઝઘડો કરી માર મારતા હતા. મેં તેઓને ઝઘડો નહીં કરવાનું કહેતા તેઓ મારા પર ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા હતા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા મને બચાવી હતી. અનિલને ડાબા હાથે પગે તેમજ છાતીના ભાગે તેમજ દીપકભાઈને જમણી આંખની નીચે તથા છાતીના ભાગે ઈજાઓ થઈ હતી.