વડોદરા જિલ્લાના ખેડૂતોએ રેલવે અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે આપેલી જમીનનું પૂરતું વળતર નહીં મળતા આંદોલન શરૂ કર્યું છે, અને ગામે ગામ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દીધા છે. હવે ચૂંટણીમાં ગામોની પ્રજાએ જોડાવું નહીં તેની અપીલ સાથે અસહકારનું આંદોલન શરૂ કરવા ઠેર ઠેર રેલીઓ યોજવામાં આવનાર છે, અને રેલીઓ માટે મામલતદારની મંજૂરી માંગવામાં આવશે, તેમ એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા જણાવાયું છે.
વડોદરા-દિલ્હી એક્ષપ્રેસ વે પ્રોજેક્ટ માટે સાવલી તાલુકાની જમીન, વડોદરા-મુબંઈ એક્ષપ્રેસ વે માટે વડોદરા, પાદરા અને કરજણ તાલુકાના ખેડૂતોની જમીન તેમજ રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્ટ માટે વડોદરા, કરજણ અને પાદરા તાલુકાના ખેડૂતોની જમીન સંપાદન થયેલ છે. જેઓ સુરત, નવસારી અને વલસાડના ખેડૂતોને જે રીતે વળતર ચૂકવ્યું છે તેવું વળતર આપવા માંગણી કરી રહ્યા છે, પૂરતા વળતરની માંગણી માટે આ તાલુકાના ગામોમાં ચુંટણી બહિષ્કાર કરતા બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
વડોદરા નજીક બીલ ગામ ખાતે ખેડૂત આગેવાનોની મીટીંગ મળી હતી. ખેડૂતોનું કહેવું છે કે ચુટાયા બાદ જો લોકપ્રતિનિધિઓને ખેડૂતોની રજુઆત કરતા અટકાવવામાં આવતા હોય તો પછી મતદાન શા માટે કરવાનુ ? એક્સપ્રેસવે અને રેલવે પ્રોજેક્ટ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોની સતત રજુઆત છતાં ત્રણે યોજનામા ખેડૂતોને આરબીટ્રેશનમાં યોગ્ય વળતર મળેલ નથી.
કેટલાક કેસોમાં પાદરા અને કરજણ તાલુકામા આરબીટ્રેટરને 2021 થી ખેડૂતો એ પુરાવાઓ આપવા છતાં હજુ સુધી વળતર અંગે હુકમ થયેલ નથી. મીટીંગમાં ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, જયારે ચુંટણી આવે છે ત્યારે તમામ પક્ષોના નેતાઓ ગામે ગામ પ્રચાર દરમિયાન જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર અંગે ચુંટણી થતા સુધી માત્ર આશ્વાસનો આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં બધા વચન ભુલાઈ જાય છે. હાલમાં કરજણ તાલુકામાં ખેડૂતોને સમજાવવાની કાર્યવાહી ચાલુ કરેલ છે કે બેનરો ઉતારી લો, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે, જો યોગ્ય નિર્ણય ખેડૂતોની તરફેણમાં નહી લેવામાં આવે તો ચુંટણીનો બહીષ્કાર તો કરીશુ જ, પરંતુ પાદરા, વડોદરા, કરજણ તાલુકાના ગામોમાં ફરીને રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં કોઈપણ ગામની પ્રજાએ નહી જોડાવવા માટે અસહકાર આંદોલનના શ્રીગણેશ મામલતદાર પાસે ગામેગામ રેલી કાઢવાની મંજૂરી માંગીને કરવામાં આવશે.