ધૂમાડો સમગ્ર બિલ્ડિંગમાં ફેલાતા કામ કરતા લોકો ઉપરના માળે પહોંચ્યા હતા
બે દિવસ પહેલાં પ્રહલાદનગર રોડ ઉપર આવેલા કોમર્સ હાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી. શુક્રવારે અમદાવાદના સી.જી.રોડ ઉપર આવેલા નવ માળના પરિસીમા બિલ્ડિંગના પહેલા માળે આવેલી એક દુકાનમાં શોટ સરકીટથી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે ધૂમાડો સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતા બિલ્ડિંગના અલગ અલગ એકમમાં કામ કરી રહેલા લોકો ધૂમાડાથી બચવા ઉપરના માળ સુધી પહોંચી ગયા હતા.ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની સાથે સો જેટલા લોકોનુ રેસ્કયૂ કરી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.
સી.જી.રોડ ઉપર બેઝમેન્ટ ઉપરાંત નવ માળ ધરાવતુ પરિસીમા બિલ્ડિંગ આવેલુ છે.આ બિલ્ડિંગના પહેલા માળ ઉપર સ્ટેરકેસની બાજુમા આવેલી જીએફ-૧૪ નંબરની દુકાનમાં શુક્રવારે બપોરે ૪.૩૦ કલાકના સુમારે શોટ સરકીટ થવાથી આગ લાગી હતી.દુકાનમાં આર કુમાર ઓપ્ટિશન્સનો ચશ્મા રાખવાના કવર અને અન્ય સામગ્રી આગ લાગવાના કારણે બળીને ખાખ થઈ ગઈ હતી.આ દુકાનની સામેની બાજુએ આવેલા એ.સી.આઉટડોર યુનિટ સુધી આગ ફેલાઈ ગઈ હતી.એ.સી.ના આઉટડોર યુનિટમાં ધડાકો થતા સંપૂર્ણ બિલ્ડિંગમાં પગથીયા મારફત ધૂમાડો ફેલાઈ જતા અલગ અલગ ઓફિસ તથા દુકાનમા કામ કરતા લોકો ધૂમાડાથી બચવા ઉપરના ફલોર સુધી પહોંચી ગયા હતા.આ તમામ લોકોને સીડી મારફત નીચે ઉતારવાની કામગીરી સમયે નવરંગપુરા ફાયર સ્ટેશનમાં જમાદાર તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહને જમણાં હાથમાં કાચ વાગતા સામાન્ય ઈજા થઈ હતી.ઉપરાંત પી.એસ.આઈ.જે.એન.દેસાઈને જમણા હાથે કાચ વાગતા ૧૦૮ મારફત તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા.ફાયર વિભાગ દ્વારા કુલ પંદર વાહન તથા ૫૭ કર્મચારીઓના સ્ટાફની મદદથી આગ બુઝાવવા ઉપરાંત રેસ્કયૂની કામગીરી એક કલાકથી વધુના સમયમાં પુરી કરાઈ હતી.