માધવ રત્ન બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની કાર્યવાહી બાદ મામલો પોલીસ મથક અને વિરોધ સુધી પહોંચ્યો હતો
ફાયર ઓફિસરે કરેલ પોલીસ ફરિયાદ રદ કરવા અને જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી હતી
ભાવનગર : ભાવનગર શહેરના નિર્મળનગર ખાતે આવેલ માધવ રત્ન બિલ્ડીંગને ચાર દિવસ પૂર્વે મહાપાલિકા ફાયર વિભાગે ફાયર સેફ્ટીના મામલે સીલ કર્યુ હતુ અને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ ડાયમંડ એેસો.ના પ્રમુખ સહિતના કેટલાક વ્યકિત સામે કરી હતી. આ મામલે વિરોધ થયો હતો અને વિવાદ વધી ગયો હતો પરંતુ આજે શુક્રવારે ફરીવાર મહાપાલિકા અને ડાયમંડ એસો.ની બેઠક મળી હતી, જેમાં વિવાદનો અંત આવ્યો હતો અને બંને પક્ષે સમાધાન થય ગયુ છે.
મહાપાલિકામાં આજે શુક્રવારે સવારે ફરી મેયરના અધ્યક્ષ સ્થાને મહાપાલિકા અને ડાયમંડ એસો.ની સમાધાન બેઠક મળી હતી. બંને પક્ષ સમાધાન માટે રાજી થયા હતા અને એકબીજાની શરતો માની લીધી હતી, જેમાં ભાવનગર શહેરનાં વિકાસ સબંધીત હીતને ધ્યાનમાં રાખી સમાધાનકારી વલણ અપનાવી કેટલાક નિર્ણય કરવામાં આવેલ છે. માધવ રત્ન બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો ઈન્સ્ટોલ કરવા બાબતે ભાવનગર ડાયમંડ એસોસીએશન પ્રમુખ તથા માધવ રત્ન સોસાયટી સંમત થયેલ પરંતુ આ બિલ્ડીંગ પચ્ચીસેક વર્ષ જુનુ હોય તંત્રની સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી. આ ઉપરાંત ડાયમંડ એસોસીએશન સાથે સંકળાયેલ ચાર વ્યકિતઓ સામે દાખલ થયેલ પોલીસ ફરીયાદમાં સી સમરી ભરવાની કાર્યવાહી કરવા સર્વ સંમત થયા હતાં. ગત તા. ૧૩ મે ૨૦૨૪ ના રોજ માધવ રત્ન બિલ્ડીંગમાં ફાયર સેફટી સંદર્ભે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સીલ ન મારવા બાબતે રૂા. ૧ હજારની માંગણી કરવામાં આવેલ તે પ્રકારે ગેરસમજ ઉપસ્થિત થય હતી, હકીકતમાં મહાનગરપાલિકાનાં કોઈપણ કર્મચારી/અધિકારી દ્વારા આ પ્રકારની રકમની માંગણી કરવામાં આવેલ નથી તેમ ડાયમંડ એસો.ના પ્રમુખે જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગે ત્રણ દિવસ પૂર્વે ફાયર સેફ્ટીના મામલે માધવ રત્ન બિલ્ડીંગને સીલ માર્યા હતા તેથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને વેપારીઓએ રજૂઆત કરી છતા સીલ ખોલવામાં આવ્યા ન હતાં. મહાપાલિકાના ફાયર વિભાગની ટીમે માધવ રત્ન બિલ્ડીંગને સીલ કર્યુ ત્યારે ડાયમંડ એસો.ના પ્રમુખ સહિતના કેટલાક લોકોએ ફરજમાં રૂકાવટ કરી હતી તેવી પોલીસ ફરિયાદ ફાયર ઓફિસરે નોંધાવી છે. ફાયર ઓફિસરે જે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી તે લોકો સીલ માર્યા ત્યારે હાજર ન હતા તેથી ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી છે તેવા આક્ષેપ ડાયમંડ એસો.ના સભ્યોએ કર્યા હતાં. આ મામલે ગત બુધવારે મહાપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી હતી અને ગુરૂવારે હિરા બજાર અને કારખાનાઓ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ગુરૂવારે સાંજે મેયરના અધ્યક્ષ સ્થાને મહાપાલિકા અને ડાયમંડ એસો.ની સમાધાન બેઠક મળી હતી પરંતુ ત્યારબાદ સી સમરી ભરવાની મેયરે ના પાડતા સમાધાન થયુ ન હતું. આજે શુક્રવારે ફરી આ મામલે મેયરે બેઠક બોલાવી હતી, જેમાં બંને પક્ષ સમાધાન માટે તૈયાર થતા ઘીના ઢામમાં ઘી પડી ગયુ હતુ તેમ ચર્ચાય રહ્યુ છે.
વિવાદના અંતે પણ રાજકીય નેતાનુ નામ બહાર ન આવ્યુ !
શહેરના માધવ રત્ન બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની કાર્યવાહી બાદ મામલો પોલીસ મથક અને વિરોધ સુધી પહોંચ્યો હતો. પોલીસ ફરિયાદ રાજકીય નેતાના ઈશારે થઈ છે તેવો આક્ષેપ ડાયમંડ એસો.ના પ્રમુખે કર્યો હતો પરંતુ વિવાદના અંતે પણ કયાં રાજકીય નેતાના ઈશારે પોલીસ ફરિયાદ થઈ હતી ? તે નામ જાહેર કરવામાં આવેલ નથી તેથી ખરેખર રાજકીય નેતાના ઈશારે પોલીસ ફરિયાદ થઈ હતી કે નહીં ? તેને લઈ લોકોમાં ચર્ચાનો દૌર જામ્યો છે.