સુરત : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં તમામ વિદ્યાર્થીઓને બુટ-મોટા અને ગણવેશ સાથે સ્કુલ બેગ આપવાનો મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. તમામ બાળકોને સ્કૂલ બેગ આપવાનો નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે પરંતુ શાળામાં જાહેર કરવામા આવેલા વેકેશનના કારણે મોટા ભાગના શિક્ષકો સુરતમાં નથી ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા વેકેશન દરમિયાન સમિતિની સ્કૂલમાં સ્કુલ બેગ વિતરણ માટેનો પરિપત્ર જાહેર થતાં વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિએ બેગ માટે ઓર્ડર કર્યો તે કંપનીએ બેગ આપી દીધી 30 મે સુધીમાં શાળાઓ ખોલાવી બેગ લેવા માટેના આદેશના કારણે શિક્ષકો-આચાર્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ વર્ષે ગણવેશ અને બુટ મોટા સાથે પહેલી વાર સ્કુલ બેગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમિતિએ મુંબઈની હેક્ષા કોર્પને બેગ માટે ઓર્ડર કર્યો હતો અને ધોરણ પ્રમાણે સ્કુલ બેગ આપવામાં આવશે. આ સ્કુલ બેગ શાળાનું સત્ર શરુ થાય ત્યારે જ વિદ્યાર્થીઓને મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ માટે હાલ વેકેશન દરમિયાન શિક્ષણ સમિતિએ જાહેર કરેલો પરિપત્રના કારણે શિક્ષકો અને આચાર્યોમાં ભારે નારાજગી જોવા મળે છે.
હાલ વેકેશન હોય મોટા ભાગના શિક્ષકો અને આચાર્ય સુરત બહાર ફરવા ગયાં છે તે દરમિયાન 30 મે સુધીમાં ઝોન પ્રમાણે બેગ વિતરણ કરવા માટેની સુચના આપવામા આવી છે. પરિપત્રમાં જણાવાયું છે કે, શાળામાં અંદાજીત કેટલા વાગ્યે સ્કુલ બેગ આવશે તેનો સમય એજન્સી દ્વારા આગલા દિવસે આચાર્યશ્રીને ટેલીફોનીક જાણ કરવામાં આવશે જે મુજબ આચાર્ય એ શાળા ખોલાવી સ્કુલ બેગ લેવડાવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત એજન્સી દ્વારા ચલણ આપવામાં આવે તેમાં ચલણ મુજબ માલ ગણતરી કરીને લેવાનો રહેશે અને ચલણમાં સહી સિક્કા કરવાના રહેશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે.
કેટલાક શિક્ષકો અને આચાર્ય ફરિયાદ કરે છે કે, હાલ તેઓ સુરત બહાર છે અને તેઓની હક્ક રજા છે તેવા સમયે બેગ લેવા માટે દબાણ કરવામાં આવે છે તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓને સ્કુલનું સત્ર શરૂ થાય ત્યારે બેગ મળે તે આવકાર્ય છે પરંતુ તેના કારણે શિક્ષકોને બદલે બેગ સપ્લાય એજન્સીને તે સમય આપવો જોઈએ તેવી માગણી શિક્ષકો કરી રહ્યાં છે.