ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ, ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમત અનુસાર અને બજાર ભાવ અનુસાર નક્કી કરવાની ૨૦૧૪ની નીતિ બાજુએ રાખી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નફો રળવાની સીધી છૂટ આપી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ૯૦ ટકા હિસ્સો ધરાવતી ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ ૮૧,૦૦૦ કરોડનો ઇતિહાસનો સૌથી મોટો નફો જાહેર કર્યો છે. પ્રજાને રાહત નહિ આપી, ક્રૂડના ઘટેલા ભાવ વચ્ચે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત નહિ ઘટાડી આ કંપનીઓ નોંધાવ્યો છે તો સામે પ્રજા ઉપર ઊંચા ભાવનો બોજ પડયો છે. એ પણ એવા સમયે જ્યારે દેશમાં.મોંઘવારી વધેલી છે અને રિઝર્વ બેંક અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે વ્યાજ દર ઘટાડી શકતી નથી.
ફેબુ્રઆરી ૨૦૨૩માં રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ શરૂ કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ૧૦૦ ડોલરને પાર થઈ ગયા હતા. ભારતમાં સ્થાનિક ક્રૂડ ઉત્પાદન નહિવત છે એટલે ૮૩ ટકા ક્ડની આયાત કરવી પડે છે. ઊંચા ભાવના કારણે કેન્દ્ર સરકારે બજાર આધારિત પેટ્રોલ અને ડીઝલના ભાવની નીતિ ઉપર રોક લગાવી હતી.
જોકે, અમેરિકા અને યુરોપના પ્રતિબંધના કારણે રશિયન ક્રૂડ ઉપર વૈશ્વિક બજારમાં રોક લગવવમાં આવેલી છે. પરંતુ, ભારત સાથે રશિયાના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધોના કારણે,. મોસ્કોએ ભારતને બજાર ભાવ કરતા પણ સસ્તા ક્રૂડ વેચવાની શરૂઆત કરી હતી. ૨૦૨૩-૨૪માં ભારતે બીજી તરફ ક્રૂડના ભાવ પણ ઊંચી સપાટીએથી ગબડી ૭૫ થી ૯૦ ડોલર વચ્ચે અથડાઈ રહ્યા છે. આમ છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટયા નથી.
આઈઓસીએ ૨૦૨૩-૨૪માં રૂા. ૩૯,૬૧૮.૮૪ કરોડનો સ્ટેન્ડઅલોન નફો કર્યો હતો જે આગલા વર્ષે માત્ર રૂા. ૮,૨૪૧.૮૨ કરોડ હતો. બીપીસીએલએ પણ આગલા વર્ષના રૂા. ૧,૮૭૦.૧૦ કરોડના નફાની સરખામણીએ ૨૦૨૩-૨૪માં રૂા. ૨૬,૬૭૩.૫૦ કરોડનો ચોખ્ખો નફો કર્યો જ્યારે એચપીસીએલએ આગલા વર્ષની રૂા. ૮,૯૭૪.૦૩ કરોડની ખોટ અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના રૂા. ૬,૩૮૨.૬૩ કરોડના નફાની સરખામણીએ ૨૦૨૩-૨૪માં રૂા.૧૪,૬૯૩.૮૩ કરોડનો નફો કર્યો. વધારે નફાને કારણે સરકારી કંપનીઓ વધારે ડિવિડન્ડ પણ ચૂકવશે.
નાણાં પ્રધાન નિર્મલા સીથારમણે૨૦૨૩-૨૪ માટે તેમના બજેટમાં આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ માટે તેમની ઊર્જા સંક્રમણ યોજનાઓને ટેકો આપવા માટે રૂ. ૩૦ હજાર કરોડની જાહેરાત કરી હતી. જો કે વર્ષની મધ્યમાં આ ટેકો અડધો કરીને રૂા. ૧૫ હજાર કરોડનો કરી દેવાયો હતો. ભારતના લગભગ ૯૦ ટકા ઈંધણ મારકેટ પર નિયંત્રણ ધરાવતી ત્રણેય કંપનીઓએ સ્વૈચ્છિક રીતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (એલપીજી)ની કિંમતોમાં છેલ્લા બે વર્ષથી કોઈ ફેરફાર ન કર્યો હોવાથી જ્યારે ખર્ચ વધી ગયા હતા ત્યારે તેમણે ખોટ સહન કરવી પડી હતી અને કાચી સામગ્રીના ભાવ ઘટયા ત્યારે તેમને નફો થયો હતો.
નાણાંકીય વર્ષ ૨૦૨૪માં નાટકીય ફેરફાર થયા હતા. ત્રણે કંપનીઓએ પહેલા બે ત્રિમાસીક (એપ્રિલ-જૂન અને જુલાઈ-સપ્ટેમ્બર)માં આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો આગલા વર્ષ કરતા અડધી થઈ ત્યારે રેકોર્ડ નફો કર્યો હતો. ત્યાર પછીના ત્રિમાસીકમાં આંતરરાષ્ટ્રીય કિંમતો ફરી વધી ત્યારે મધ્યમ નફો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષમાં તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં મોટી ઉથલપાથલ થઈ છે. ૨૦૨૦માં મહામારી દરમ્યાન તેલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જ્યારે માર્ચ ૨૦૨૨માં રશિયાના યુક્રેન આક્રમણને કારણે તેની કિંમત પ્રતિ બેરલ ૧૪૦ ડોલર જેટલી થઈ ગઈ હતી. પણ પછી આર્થિંક મંદીને કારણે ફરી ભાવમાં ઘટાડો થયો હતો.
પોતાની જરૂરીયાતના ૮૫ ટકા આયાત પર નિર્ભર એવા દેશ માટે કિંમતમાં ઉછાળો ફુગાવા તરફ દોરી શકે અને મહામારીમાંથી ઊભરી રહેલા અર્થતંત્રને ફરી પાટા પરથી ગબડાવી શકે. આથી ત્રણેય ઈંધણ રિટેલરોએ પેટ્રોલ અને ડીઝલની કિંમતો છેલ્લા બે દાયકામાં સૌથી લાંબા સમય સુધી સ્થગિત કરી દીધી. નવેમ્બર ૨૦૨૧માં જ તેમણે દૈનિક કિંમતોમાં ફેરફાર કરવાનું બંધ કરી દીધું જ્યારે તેલની કિંમત તેના સર્વોચ્ચ શિખરે હતી.