મુંબઈના મનીલોન્ડરીંગ કેસના સ્લીપર સેલ સાથે કનેક્શન હોવાનું કહી
સીબીઆઇ અને ડીસીપી અધિકારી સાથે વાતચીત કરાવી ડર બતાવી રૃપિયા પડાવ્યા : સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક સરગાસણમાં રહેતા વૃદ્ધાને મુંબઈના મોટા મનીલોન્ડરીંગ કેસના સ્લીપર સેલ સાથે કનેક્શન હોવાનું જણાવી સીબીઆઇના અધિકારીઓ સાથે વાતચીત કરાવી ડર બતાવીને ૬૦ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જે સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય સૂત્રધારને બિહારમાંથી ઝડપી લીધો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સરગાસણ ખાતે સ્વાગત એફોર્ડ વસાહતમાં રહેતા વૃદ્ધા પ્રીતિબેન નરેન્દ્ર ગુપ્તાને ગત ૩ જુલાઈના રોજ કુરિયરથી રેકોર્ડર વોઇસ કોલ મોબાઇલમાં આવ્યો હતો જેમાં તાઇવાન ખાતે મોકલવામાં આવેલા પેકેટમાં નાર્કોટિક્સ મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે તેમણે આવું કોઈ પેકેટ મોકલ્યું નહીં હોવાનું કહીને પોલીસ ફરિયાદ કરવાની પણ વાત કરી હતી. જેથી એક્ઝિક્યુટિવે મુંબઈ ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ લખાવવાનું કહી ઇન્સ્પેક્ટર સાથે વાત કરાવી હતી અને તેમના કહેવા મુજબ પ્રીતિબેન આધાર કાર્ડ મોકલી આપ્યું હતું. સીબીઆઈના કોઈ ઓફિસરે વાત કરીને મોટા મનીલોન્ડરીંગ કેસમાં જેલમાં છે અને તેમના સ્લીપર સેલ હાલમાં એક્ટિવ છે અને તમારો કેસ તેમની સાથે કનેક્ટ છે તેવું કહીને તેમના બેંક ખાતાઓની તમામ ડીટેલ મંગાવી લીધી હતી અને ત્યારબાદ તેમના ખાતામાંથી ૬૦ લાખ રૃપિયા આરટીજીએસ થકી ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થયા બાદ સુરતથી એક આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ બિહારના પટના સુધી ગેંગ પહોંચી હોવાનું જણાયું હતું. જેના પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ બિહાર પહોંચી હતી અને ત્યાં રાકેશ રોશન મદનમોહન પ્રસાદને ઝડપી લીધો હતો. હાલ તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે અને આ પ્રકારે કરવામાં આવેલા અન્ય ગુનાઓની પૂછપરછ ચાલી રહી છે.