આજદિન સુધી પદાધિકારીઓની નકકર કાર્યવાહીના અભાવે
તળાવના બદલે અન્યત્ર ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્રની ઉદાસીનતાથી લોકોમાં રોષ
સિહોર તાલુકાના સાગવાડી ગામ સમસ્તની ગટરની લાઈનની ગામના હાઈવેના નાળા આગળ લાઈન કાઢેલ હોય જે નાળાની ગટરનું પાણી સિહોરના ગૌતમેશ્વરના તળાવમાં આવતુ હોય જેથી આ દુષિત અને માથુ ફાટી જાય તેવી દુર્ગંધયુકત પાણી સિહોરના તળાવમાં શુધ્ધ પાણી સાથે ભળી જાય છે.
હાલ સિહોરમાં ફિલ્ટર પ્લાન બંધ હોય શહેરની ૮૦ હજારની વસ્તીને ફિલ્ટર થયા વગરનું દુષિત પાણી તંત્રવાહકો દ્વારા બેરોકટોકપણે આપવામાં આવતુ હોય આવુ ગંદુ પાણી પીવાથી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આથી જે તે સમયે ગત તા.૭-૫-૨૦૧૪ ના રોજ જે તે સમયના સભાસદ મહેશભાઈ બી.લાલાણીએ ભાવનગર જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવી જાણ કરી હતી કે, આ આખા ગામની ગટર સાગવાડી ગામના નાળામાં કાઢેલ હોય તે નાળાનું ચોમાસા દરમિયાન આજુબાજુના તમામ વિસ્તારોના પુરનું પાણી સિહોરના ગૌતમેશ્વર તળાવમાં આવતુ હોય જેથી આ નાળામાં ગ્રામ પંચાયત તથા મંત્રી દ્વારા આખા ગામની ગટર આ નાળામાં કાઢવામાં આવેલ હોય તેમાં ગટરના ગંદા પાણીનો નિકાલ સિહોરના ગૌતમેશ્વરના તળાવમાં આવી રહેલ હોય અન્ય જગ્યાએ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરાઈ હતી.દરમિયાન આ બાબતે કલેકટર દ્વારા તા.૧૩-૫-૨૦૧૪ ના રોજ સિહોરની પ્રાંત કચેરીમાં તથા નગરપાલિકાના ચિફ ઓફિસરને તેમજ સાગવાડી ગામના જે તે સમયના મંત્રીને લેખીત સૂચના આપવામાં આવી હતી કે, આ દુષિત પાણી ગૌતમેશ્વર તળાવમાં આવતુ હોય તેની યોગ્ય તપાસ કરી બંધ કરવુ અને યોગ્ય કાર્યવાહી કરવી તેમ છતા આજદિન સુધી પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરાઈ ન હોય જેથી કરીને આજની તારીખે પ સાગવાડી ગામ સમસ્તની ગટર આ નાળામાં જ નિકળતી હોય જેથી ચોમાસાના પાણી સાથે ગૌતમેશ્વર તળાવમાં કદડો અને ગંદકીનું પાણી આવતુ હોય તેમ છતાં પણ આ ગૌતમેશ્વર તળાવનું પાણી સિહોરની જનતાને આવુ ફિલ્ટર કર્યા વગરનું આપવામાં આવતા તેના ઉપયોગથી સિહોરવાસીઓનું આરોગ્ય પણ જોખમમાં મુકાઈ રહ્યુ છે. તેથી આ અંગે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.
સિહોરમાં હાલ ભાજપના જ કેટલાક સભાસદો તળાવમાં બગીચાનું રૂા પાંચ કરોડના ખર્ચે વિકાસના કામો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે તેનો ભાજપના જ સભાસદો વિરોધ કરી રહ્યા છે અને વિકાસના કામમાં રોડા નાખી રહ્યા હોય ત્યારે ઉપરોકત ગંભીર પ્રશ્નમાં કેમ કોઈ સભાસદો રસ દાખવતા નથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.