ટુંક સમયમાં પ્રોજેકટનું અમલીકરણ થશે તેવા સંકેત
સિહોર શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગોમાં કેમેરા મુકવાથી ગુનેગારોને ઝડપી લેવામાં પોલીસકર્મીઓને વધુ સરળતા રહેશે
સિહોર: સિહોર શહેરમાં છાસવારે બનતી નાની મોટી ઘટનાઓને રોકવા, ગુનેગારોમાં ભય પેદા કરવા અને ગુના બને તો તેના ઝડપી ઉકેલ માટે આખરે તંત્રએ કમર કસી છે. છેલ્લા કેટલાક સમયથી રહેણાંકીય વિસ્તારોમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેના ઉકેલ માટે સ્થાનિક પોલીસને આજુબાજુના મકાનો, બંગલાઓમાં મૂકાયેલા સી.સી.ટી.વી.કેમેરા જ સહાયક સાબિત થઈ રહ્યાં છે . આવા સંજોગોમાં રાજય સરકારે હવે જે તે શહેરના તમામ રહેણાંકીય વિસ્તારમાં પણ આ પ્રોેજેકટ ફરજિયાત બનાવવા નવી પોલીસી અમલી બનાવી છે.
સિહોર શહેરમાં ભૂતકાળમાં સી.સી. ટી.વી. કેમેરા મુકવા બાબતે અનેક વખત મીટીંગો યોજાઈ હતી. બાદ તેનું નકકર પરિણામ આવતુ ન હતુ. તેવા સમયે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હવે નજીકના ભવિષ્યમાં સી.સી.ટી.વી.કેમેરાથી સુસજજ થશે, સી.સી. ટી.વી. કેમેરા લગાવવાથી સિહોર શહેરના ગુનાઓને ઉકેલવામાં પોલીસ સ્ટાફને વધુ સરળતા રહેશે. સિહોર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સી.સી.ટી.વી. કેમેરા મુદે નગરજનોમાં ચર્ચાઓ જાગી, આક્ષેપો થયા, સ્થાનિક આગેવાનોની મીટીંગો મળી અંતે ગઈ ભેંશ પાણીમાં જેવો ઘાટ ઘડાયો હતો. સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં સી.સી.ટી.વી.કેમેરા મુદે મુકત મને ચર્ચાઓ કરવા માટે સિહોરના વેપારીઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં આગેવાનો દ્વારા તમામ પ્રકારની બાહેંધરી આપી હતી કે, આ કેમેરા પ્રોજેકટ થશે જ અને ફરી વાતો વિસરાઈ ગઈ હતી અને આગેવાનો નિરાશામાં મુકાયા હતા તેવા સમયે નવી આશાના કિરણ સાથે હવે આ પ્રોજેકટ ગવર્ન્મેન્ટ દ્વારા થશે જ તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહેલ છે.
ભૂતકાળમાં જે સી.સી.ટી.વી. કેમેરા પ્રોજેકટમાં સિહોરના ખાખરીયાના પાટીયા બાજુ, કૃષ્ણપાર્ક, દાદાની વાવ(મઢી પાસે), ટાવર ચોક, ઘાંઘળી રેલવે ફાટક, ઘાંઘળી ચોકડી, રેલવે સ્ટેશન, વડલા ચોક, સરકારી હોસ્પિટલ, આંબેડકર ચોક, મોટા ચોક, ખારાકુવા, પીંજારા ઢાળ, કંસારી બજાર, મકાતનો ઢાળ, સુરકાના દરવાજા, લીલાપીર, ફાયરીંગ બટ, રામનાથ રોડ, ગરીબશાપીર ફાટક, બસ સ્ટેન્ડ, નેસડા ફાટક, નવાગામ, કનીવાવ તેમજ જી.આઈ.ડી.સી.નં.૨ અને દરેક જગ્યાએ નવા સર્વે મુજબ કેમેરા લગાવવાની શકયતાઓ છે. ખરેખર જો નિયત દર્શાવેલા સ્થળોએ સી.સી.ટી.વી.ના કેમેરા લગાવવામાં આવે તો સિહોર શહેરમાં પ્રવેશવાના દરેક પોઈન્ટ પર પોલીસની નજર રહેશે અને ક્રાઈમના બનાવોમાં ચોકકસપણે ઘટાડો થશે. નાના મોટા અકસ્માતો સર્જી વાહન લઈ ભાગી છુટેલ વ્યકિત આસાનીથી પોલીસ પકડમાં આવી જશે તેમ જાણકારોનુ માનવુ છે. નગરજનો અને વેપારીમંડળની વર્ષો જુની માંગણીનો અંત નજીકના દિવસોમાં આવશે તે વાત ચોકકસ છે.આ બાબતે ટુંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવે તેવી શકયતા છે.