સુરત શહેરમાં એક તરફ ગણપતિ ઉત્સવ માટે તડામાર તૈયારી થઈ રહી છે ત્યારે બીજી તરફ સુરતના અડાજણ વિસ્તારના હળપતિવાસના લોકો સાંસદ મુકેશ દલાલના ઘરે પહોંચીને ગણપતિ બાપ્પા મોરિયા, હમારી માંગે પૂરી કરો ના નારા સાથે મોરચો માંડીને બેઠા છે. લોકો દ્વારા સંસદના ઘરે મોરચો લઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગણેશ મંડપ બાબતે બે ગ્રુપ વચ્ચે પ્રશ્નો સર્જાતા મામલો ગુંચવાયો છે. પોલીસ દરમિયાનગીરી કરી રહી છે પરંતુ હજી સમસ્યાનો હલ આવતો નથી.
સુરતના અડાજણ વિસ્તારમાં હળપતિવાસ દ્વારા કરવામાં આવતા ગણેશ ઉત્સવની ઉજવણી માટેના મંડપ મુદ્દે વિવાદ ઊભો થયો છે. છેલ્લા 40 વર્ષથી હળપતિ વાસના લોકો અડાજણ ચાર રસ્તા પાસે સરકારી જમીનમાં મંડપ ઊભો કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. જોકે છેલ્લા કેટલાક વખતથી આ જગ્યાએ નોનવેજની લારી મૂકવામાં આવી છે. ગણેશ ઉત્સવ પહેલા આ લારી દસ દિવસ માટે હટાવવા અંગે પોલીસ સ્ટેશનમાં વાતાઘટ થઈ હતી. જોકે હાલમાં સરકારી જગ્યામાં નોનવેજની લારી મુકનારે લારી હટાવવાનીના પાડી દેતા મામલો ઉગ્ર બન્યો છે.
અડાજણ હળપતિવાસના લોકોએ આ મુદ્દે સુરતના સાંસદ મુકેશ દલાલને અગાઉ વાત કરી હોવાથી તેઓ મુકેશ દલાલના ઘરે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ગણપતિ બાપ્પા મોરિયા હમારી માંગે પૂરી કરોના નારા સાથે તેઓએ મુકેશ દલાલના ઘરને ફરતે ગોઠવાયા હતા. જોકે મુકેશ દલાલ કોઈ કાર્યક્રમમાં હોય ઘરમાં હાજર ન હતા. પોલીસે આ ટોળાને વિખેરાઈ જવાનું કહ્યું હતું. તેથી ફરી આ લોકો ગણેશજીની સ્થાપના કરવાના છે તે જગ્યાએ પહોંચી ગયા હતા. અડાજન વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થયા છે તેથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંને ગ્રુપ વચ્ચે સંકલન કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેમાં સફળતા મળી નથી. બીજી તરફ આ પ્રશ્નમાં રાજકારણ રમાઈ રહ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.