સુરત પાલિકા પર્યાવરણની જાળવણી અને લોકોના મનોરંજન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ગાર્ડન બનાવે છે. પરંતુ ગાર્ડન બન્યા બાદ તેની યોગ્ય માવજત થતી ન હોવાથી લોકોની સુવિધા માટે બનાવેલા ગાર્ડન લોકો માટે આફત બની રહ્યાં છે. સુરત પાલિકા પાલનપોર પામ ગાર્ડનમાં તૂટેલા બાંકડા મુલાકાતીઓ માટે જોખમી બની રહ્યાં છે. પામ ગાર્ડન સહિત અને ગાર્ડનમાં બાંકડા અને રમત ગમતના સાધનોની માવજત થતી ન હોવાથી કોઈ અકસ્માત થવાની ભીતિ રહેલી છે. આવા તૂટેલા બાંકડા અને તૂટેલા રમત ગમતના સાધનો તાકીદે હટાવી દેવા માટે મુલાકાતીઓ માગણી કરી રહ્યાં છે.
સુરત શહેરમાં પાલનપોર ખાતે એક માત્ર પામ ગાર્ડન બનાવ્યો છે આ ગાર્ડનમાં રોજ હજારો મુલાકાતીઓ આવે છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી ગાર્ડનમાં મેઈનટેનન્સ યોગ્ય રીતે થતી ન હોવાની મુલાકાતીઓની ફરિયાદ છે. આ પામ ગાર્ડનમાં રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે વોકીંગ અને કસરત બાદ થાક ઉતારવા માટે ગાર્ડનમાં મુકવામાં આવેલા બાંકડા પર બેસે છે. પરંતુ આ ગાર્ડનમાં મુકવામાં આવેલા કેટલાક બાંકડા તૂટી ગયાં છે. તો કેટલાક બાંકડામાંથી સળીયા દેખાઈ રહ્યાં છે. તો કેટલાક બાંકડાના ટેકા તૂટી રહ્યા છે. આવી રીતે બાંકડા જોખમી બન્યા છે તેમ છતા અજાણતામાં મુલાકાતીઓ આ બાંકડા પર બેસે છે. આવી સ્થિતિને કારણે મુલાકાતીઓને ઈજા થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. પામ ગાર્ડન ઉપરાંત શહેરના અન્ય ગાર્ડનમાં પણ બાંકડા અને રમત ગમતના સાધનોની હાલત દયનીય છે. પાલિકાના ગાર્ડનમાં તૂટેલા બાંકડા અને તૂટેલા રમત ગમતના સાધનો બાળકો અને મુલાકાતીઓ માટે જોખમી બની રહ્યાં છે તેને તાકીદે દુર કરવામા આવે તેવી માગણી થઈ રહી છે.