સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પહેલો નંબર મળ્યા બાદ હવે આ સ્થાન જાળવી રાખવા માટે પાલિકા કવાયત કરી રહી છે. સુરત શહેરમાં રોડની સફાઈ માટે સ્વીપર મશીનથી કામગીરી થાય છે તેમાં વધુ 16 મશીનનો ઉમેરો કરવા પાલિકા જઈ રહી છે. પાલિકા 125 કરોડથી વધુના ખર્ચે સ્વીપર મશીન ખરીદવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરી છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઈન્દોરને પહેલો નંબર મળ્યો છે. ત્યારબાદ સુરત પાલિકાએ આ ક્રમ જાળવી રાખવા માટે આયોજન કરી રહી છે. જેમાં પાલિકા વિસ્તારમાં રોડ પર 28 સ્વીપર મશીન દ્વારા સફાઈની કામગીરી થઈ રહી છે.
સ્વચ્છતા સર્વેના રેટિંગ માટે સફાઇમાં મિકેનિકલ સિસ્ટમને વધુ ગુણ આપવામાં આવી રહ્યાં છે. જોકે, સુરત પાલિકા ઘણા વર્ષોથી રોડ પર મશીનથી સફાઈની કામગીરી કરી રહી છે. સુરત પાલિકા શહેરમાં 8 મશીન પીપીપી ધોરણે ચલાવી રહી છે જ્યારે બાકીના 20 મશીન પાલિકાએ ખરીદ્યા છે અને તેના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપ્યો છે. પાલિકાએ જે 20 મશીન ખરીદ્યા હતા તેમાંથી 8 મશીનની સમય મર્યાદા પૂરી થવા જઈ રહી છે. જેના કારણે પાલિકાએ વિસ્તાર વધતા 8 મશીનની જગ્યાએ 16 મશીન ખરીદવા માટેનો નિર્ણય કર્યો છે.
પાલિકાએ 16 મશીન ખરીદીને તેને આગામી સાત વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે. આ સાત વર્ષ માટે પાલિકાને ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે 130 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકી છે તેના પર નિર્ણય કરાશે.