અમદાવાદમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે અને 36.3 ડિગ્રી સાથે સતત બીજા દિવસે 36 ડિગ્રીથી વઘુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હજુ આગામી બે દિવસ અમદાવાદનું તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે.
ડીસામાં સૌથી વઘુ 36.4 ડિગ્રી : રાજકોટ, ભુજ, વડોદરા, ગાંધીનગરમાં પણ 35 ડિગ્રીથી વઘુ ગરમી
અમદાવાદમાં 36.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અગાઉ સોમવારે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી હતું. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં ઓગસ્ટમાં 36 ડિગ્રી કે તેથી વઘુ તાપમાન નોંધાયું હોય તેવું 2015, 2020, 2021માં બન્યું છે. 16 ઓગસ્ટ 1987ના 40.4 ડિગ્રી તાપમાન ઓગસ્ટમાં નોંધાયેલું સૌથી વઘુ તાપમાન છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 25મી સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહિવત્ છે.
મંગળવારે રાજ્યમાંથી અન્યત્ર ડીસામાં 36.4, રાજકોટમાં 36, ભુજમાં 35.7, વડોદરામાં 35.4, ગાંધીનગરમાં 35.2, ભાવનગરમાં 33.8, સુરતમાં 33.2, વલસાડમાં 31.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમન હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.