રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર કથિત રીતે ફૂટી ગયાની વાતો વચ્ચે 10થી 12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાય તેવી શક્યતા છે. દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્વીકાર્યું છે કે તેમણે સાબરકાંઠા પોલીસને ઈ-મેલ કરીને એપ્લિકેશન આપી દીધી છે. તેમણે મંડળ તરફથી સાબરકાંઠા પોલીસને આ મામલે તપાસ કરવાની વિનંતી કરી દીધાનું જણાવ્યું છે. બીજી તરફ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ મામલે આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે કથિત પેપર લીક મામલે સરકાર યોગ્ય તપાસ કરાવશે તેમ જણાવ્યું હતું.

વાઘાણીએ અસિત વોરાનો કર્યો બચાવ
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, સરકારે પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે. અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પુરતી કામગીરી નહિ કરે. પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહિ છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કે કરવાથી કોઈને દૂર નહિ કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતાથી નથી અને રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે. આસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે છે. કોંગ્રેસની સરકારમાં પરીક્ષા કેટલી પ્રામાણિકતાથી લેવાતી હતી એ લોકોને ખબર છે.
રવિવારે 186 જગ્યાની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી
નોંધનીય છે કે, રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. પેપલીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે અસિત વોરા જ શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ કરી પેપરલીકના પુરાવા આપ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
હર્ષ સંઘવીને આ મુદ્દે દખલ કરવા અપીલ કરીએ છીએ: યુવરાજસિંહ
યુવરાજસિંહે જણાવ્યું હતું કે, પેપરલીકમાં સંકળાયેલો વ્યક્તિ હમીરગઢનો છે. અમે પેપરલીકના પુરાવા પરમાર સાહેબને વોટ્સએપ કર્યા છે. સરકારે સામે ચાલીને ફરિયાદી બનવું જોઈએ. અમે રજૂ કરેલા તમામ પુરાવાને ક્રોસ વેરિફાઈ કરવા જોઈએ, હર્ષ સંઘવીને આ મુદ્દે દખલ કરવા અપીલ કરીએ છીએ. તેમજ માહિતી આપ્યાની ઓડિયો ફાઇલ રીલિઝ કરું છું.