ભરૂચની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી
સગીરાની શાળામાંથી છાસવારે ગેરહાજર રહેતી હોવાનો પત્ર ઘરે આવતાં ભાંડો ફૂટયો, મોબાઈલમાંથી અશ્લીલ ફોટા અને વીડિયો મળ્યા
ભરૂચમાં સગીરાને સ્કૂલના સમયે અલગ અલગ સ્થળોએ લઈ જઈ સગીરા ઉપર બળાત્કાર ગુજારી તેણીના અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી સાથે અભદ્ર મેસેજ કરતાં નરાધમ સામે પોક્સો અને સાયબર એકટ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચની ખાનગી શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની સગીરાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેની સોસાયટીમાં પાડોશમાં રહેતાં રાહુલના મિત્ર મિહિર રમેશ પંડિત (ઉં.વ.૨૩, રહે. વાલ્મિકી નગર, સેવાશ્રમ રોડ)એ ઉત્તરાયણના તહેવાર દરમિયાન તેનો મોબાઈલ નંબર મેળવી બાદમાં સંપર્ક સાધ્યો હતો. તેમજ તેનો અવારનવાર પીછો કરી અને તેને મોબાઈલ પર સતત મેસેજો કરી તેની સાથે લગ્ન કરવાનું વચન આપી ફ્રેન્ડશીપ કરી હતી. બંને વચ્ચે મિત્રતા થતાં તે શાળામાં ગુલ્લી મરાવી તેની માસીના ઘરે તેમજ અન્ય સ્થળે લઈ જઈ તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ કરતો હતો. જે દરમિયાન મિહિરે સગીરાના અશ્લીલ ફોટા અને વીડિયો તેના મોબાઈલમાં કેદ કરી લીધા હતાં. જેના આધારે તે તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતો હતો, તેમજ ઘરમાં કોઈને વાત નહીં કરવા નહીં તો ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.
પરંતુ શાળામાં અવાર નવાર ગેરહાજર રહેતી સગીરાના વાલીને શાળા તરફથી પત્ર મોકલાતા તેના પિતાએ તેની પૂછપરછ કરતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. સગીરાના મોબાઈલમાંથી પણ મિહિરે મોકલેલા અશ્લીલ ફોટા મળી આવતાં તેના માતા- પિતા પણ ચોંકી ઊઠયા હતાં. જે બાદ સગીરાના માતા-પિતા મિહિરના ઘરે જતાં પોતાનો ભાંડો ફૂટી જતાં મિહિર નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે સગીરાની ફરિયાદને આધારે આરોપી મિહિર રમેશ પંડિત સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.