આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ મામલે આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે ફરીથી રાહત માગી છે. સીએમ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માગ કરી છે.
આરોગ્યના આધારે વચગાળાના જામીન માગ્યા
સીએમ કેજરીવાલે પોતાની તાજેતરની અરજીમાં આરોગ્યના આધારે વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માગ કરી છે. જેમાં એ પણ સામેલ છે કે તેમનું સાત કિલો વજન ઘટી ગયું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલને અમુક મેડીકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને આ હેતુ માટે વચગાળાના જામીન જે 1 જૂને સમાપ્ત થઈ રહ્યાં છે તેને વધારવા જોઈએ.
આમ આદમી પાર્ટીના હવાલાથી જણાવાયું છે કે દિલ્હીના મુખ્યમંત્રીને PET-CT સ્કેન અને અન્ય ટેસ્ટથી પસાર થવું પડશે. તેથી સીએમ કેજરીવાલે તપાસ કરાવવા માટે 7 દિવસનો સમય માગ્યો છે.
બે જૂને સરેન્ડર કરવું પડશે
ઉલ્લેખનીય છેકે વર્તમાનમાં અરવિંદ કેજરીવાલ એક જૂન સુધી વચગાળાના જામીન પર છે. સુપ્રીમ કોર્ટે 10 મે એ તેમને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. સાથે જ તેમને તેમના કાર્યાલય કે દિલ્હી સચિવાલયમાં જઈને સત્તાવાર ફાઈલો પર સહી કરવાની પણ મંજૂરી નથી. જ્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે આ જરૂરી ન હોય. હવે તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.
21 માર્ચે ધરપકડ થઈ હતી
આબકારી નીતિ કૌભાંડમાં ઈડીએ બે કલાકની પૂછપરછ બાદ સીએમ કેજરીવાલની તેમના આવાસથી 21 મે એ ધરપકડ કરી હતી. તે બાદથી તેઓ ધરપકડમાં હતા.