18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે, તે 3 જુલાઈ સુધી ચાલશે. 10 દિવસમાં (29-30 જૂનની રજા) કુલ 8 બેઠકો યોજાશે. પ્રથમ બે દિવસ અર્થાત 24થી 25 જૂન સુધી પ્રોટેમ સ્પીકર નવા સાંસદોને શપથ લેવડાવશે. બાદમાં 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે.
આજે લોકસભાનું પ્રથમ સત્ર રજૂ કરતાં પહેલાં પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સમક્ષ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતાં. બાદમાં સત્રની શરૂઆતમાં સાંસદો દ્વારા શપથ લેવાઈ રહ્યા છે. રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી શરૂ થશે. તે દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા-રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. બાદમાં વડાપ્રધાન મોદી બંને સત્રોમાં સંબોધન આપશે.
પ્રથમ સત્રની ટાઈમલાઈન
24-25 જૂન- સત્રના શરૂઆતના આ બે દિવસ સાંસદોના શપથ
26 જૂન- આ વખતે બહુચર્ચિત લોકસભા સ્પીકરની ચૂંટણી
27 જૂન- રાજ્યસભાના 264મા સત્રની શરૂઆત, રાષ્ટ્રપતિનું અભિભાષણ
28 જૂન- સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા મંત્રીમંડળના સભ્યોનો પરિચય
1-3 જુલાઈ- રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા
આ પ્રથમ સત્ર છે, તેથી મોદી સરકાર પણ વિશ્વાસ મત માંગશે. સત્રના છેલ્લા બે દિવસે સરકાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કરશે અને બંને ગૃહોમાં ચર્ચા થશે. 10 વર્ષ બાદ પહેલીવાર વડાપ્રધાન મોદીને જોરદાર વિરોધનો સામનો કરવો પડશે. ગયા અઠવાડિયે NEET પરીક્ષામાં ગેરરીતિના આરોપો, ત્રણ ફોજદારી કાયદાઓ અને લોકસભા ચૂંટણી પછી શેરબજારમાં થયેલી ગેરરીતિઓના આરોપો પર વિપક્ષ આ વખતે હોબાળો મચાવી શકે છે.