કેટરીના કૈફ તથા વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યાં હતાં. 10 ડિસેમ્બરે બંને માલદીવ્સમાં હનીમૂન મનાવવા ગયા હતા. આજે એટલે કે 14 ડિસેમ્બરે બંને હનીમૂન મનાવીને પરત ફર્યાં હતાં.
વિકી-કેટ લગ્ન બાદ પહેલી જ વાર સાથે જોવા મળ્યા
વિકી તથા કેટરીના મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કેટરીનાના હાથમાં લગ્નચૂડો, સેથામાં સિંદૂર તથા ગળામાં મંગળસૂત્ર જોવા મળ્યું હતું. કેટરીનાએ પિંક શૅડનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે વિકી કૌશલ કેઝ્યુઅલ લુકમાં હતો. કેટરીના તથા વિકીએ એકબીજાનો હાથ પકડીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.
નવી દિલ્હી થઈને માલદીવ્સ ગયા
લગ્ન બાદ બંને 10 ડિસેમ્બરે જયપુર આવ્યા હતા. બંને સવાઈ માધોપુરથી ચોપરમાં જયપુર આવ્યા હતા. ત્યારબાદ અહીંથી દિલ્હી ગયા હતા. બંને દિલ્હી એટલા માટે ગયા હતા, કારણ કે એરપોર્ટ પર તેમને કોઈ ઓળખી ના જાય. વિકી-કેટ 14 ડિસેમ્બર સુધી માલદીવમાં રહેશે.
15 ડિસેમ્બરથી કામ શરૂ કરશે
15 ડિસેમ્બરથી કેટરીના કૈફ ‘ટાઇગર 3’નું શૂટિંગનું શરૂ કરશે. 20 ડિસેમ્બરથી વિકી પણ શૂટિંગ સ્ટાર્ટ કરશે.
જુહૂ અપાર્ટમેન્ટમાં રહેશે
નવું ઘર જુહૂ SNDT કોલેજની નજીકમાં આવેલું છે. ઘરનું કામકામજ લગભગ પૂરું થવા આવ્યું છે. 10 ડિસેમ્બરના રોજ સવારના ચાર વાગ્યા સુધી કામ ચાલતું હતું. માનવામાં આવે છે કે કેટ-વિકી આજે રાત્રે 12 વાગ્યાની આસપાસની ગમે ત્યારે ગૃહ પ્રવેશ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં બે-ત્રણ દિવસથી 50 માણસો કામ કરતાં હતાં. આ પહેલાં 20-25 માણસો કામ કરતાં હતાં. થોડાં દિવસ પહેલાં કેટરીનાની મમ્મી સુઝાન ઘર જોવા આવ્યા હતા.
વિકી-કેટ મહિને આઠ લાખનું ભાડું ભરશે
વિકી કૌશલે જુલાઈ, 2021માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં ઘર ભાડે લીધું છે. વિકીએ આઠમા ફ્લોર પર ઘર લીધું છે. વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 1.75 કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતના ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ જ ફ્લેટમાં અનુષ્કા-વિરાટ રહે છે.