દહેગામ – બાયડ રોડ પર સુજાના મુવાડામાં આવેલી
કંપનીને વિશ્વાસમાં લઈ સાયકલનો લાખોનો સામાન મંગાવ્યો પછી હાથ અધ્ધર કરી દીધા
દહેગામ : દહેગામ બાયડ હાઇવે પર સુજાના મુવાડા ગામ પાસે આવેલી એક સાયકલ અને તેના સ્પેરપાર્ટ બનાવતી કંપનીમાંથી હરિયાણાના બે વ્યક્તિઓએ કંપનીને વિશ્વાસમાં લઈ જુદી જુદી તારીખોમો લાખો રૃપિયાનો સામાન મંગાવી રૃપિયા ન આપી કંપનીને ચૂનો લગાવ્યો છે. આ અંગે કંપનીના કર્મચારીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ અંગે રખિયાલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના રહેવાસી અને મૂળ હરિયાણાના ગુડગાવમાં રહેતા પાર્થસારથી વિરેન્દ્ર કૌશિક નામના કર્મચારીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં તેમની કંપની સાથે લાખોની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તેમની કંપની સાયકલ અને તેની એસેસરીઝ બનાવે છે અને આશરે એક હજાર જેટલા ડીલરો મારફતે ભારતભરમાં તેનું વેચાણ કરે છે. આ કંપનીમાં વર્ષ ૨૦૧૭થી ભાગીદારી કરી રહેલા સોનિયા તુલી અને સંજય તુલીએ પાર્થસારથીને જણાવ્યું હતું કે તેઓ વીસ વર્ષથી સાયકલનું વેચાણ કરે છે. આમ જણાવી તેમણે કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર બનવા માટે ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. વર્ષ ૨૦૨૦-૨૧માં સંજય તુલી અને સોનિયા તુલી સત્તાવાર રીતે કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર બની ગયા હતા. ત્યાર બાદ તેમણે ૧૬ એપ્રીલ ૨૦૨૪થી ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ અલગ અલગ સાયકલ અને તેની એસેસરીઝને ઓર્ડર પ્રમાણે મોકલી આપ્યા હતા. શરૃઆતમાં તેમની પાસેથી પૈસા માગવામાં આવતા તેઓ હાલ આથક સંકણામણમાં હોવાનું કહીને તેમણે ફરિયાદીને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આગામી સમયમાં તેની રકમ ચુકવી દેશે.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કંપનીએ સંજય અને સોનિયા તુલીને કુલ ૩૭૩ નંગ સાયકલ અને અન્ય એસેસરીઝ મળીને કુલ રૃપિયા ૨૩,૯૮,૭૪૯ નો સામાન મોકલી આપ્યો હતો. જો કે આ રકમમાંથી સંજય તુલી અને સોનિયા તુલીએ ફરિયાદીને રૃપિયા ૧,૫૭,૭૦૫ મોકલ્યા હતા. બાકીના નાણાં મોકલવા માટે તેઓ અલગ અલગ વાયદાઓ કરતા હતા. આખરે બાકી નીકળતા રૃપિયા ૨૨,૪૦,૦૪૪ નહી આપતા ફરિયાદીએ તેમની કંપની સાથે વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. લાખોની ઉચાપત કરીને કંપનીને ચુનો લગાડનાર આ બે શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.