દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટી માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહનું રાજ્યસભાનું સસ્પેન્શન રદ થઈ ગયું છે.
આ માટે સંજય સિંહે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર વ્યક્ત કર્યો છે. AAP નેતાએ X પર પોસ્ટ કરીને તેની માહિતી આપી છે. સંજય સિંહને ગત વર્ષે ચોમાસુ સત્ર દરમિયાન અમર્યાદિત વ્યવહારના કારણે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સંજય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, લગભગ 1 વર્ષ બાદ સંસદમાં જવાની મંજૂરી મળી છે. સસ્પેન્શન સમાપ્ત થયું. માનનીય અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનકડ જી, પ્રિવિલેજ કમિટિના અધ્યક્ષ અને તમામ માનનીય સભ્યોનો ખૂબ ખૂબ આભાર.
સંસદમાં કેજરીવાલની ધરપકડનો મુદ્દો ઉઠાવીશું: સંજય સિંહ
CBI દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર AAP નેતા સંજય સિંહે કહ્યું હતું કે, હું દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ પર I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ સાથે વાત કરીશ અને તેમને આ મુદ્દાને સંસદમાં ઉઠાવવા અનુરોધ કરીશ.
સંજય સિંહે ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર વિપક્ષી દળોને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, CBI અને ED આમ આદમી પાર્ટી વિરુદ્ધ દુર્ભાવના અને રાજકીય દ્વેષથી કામ કરી રહી છે.