વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (19 જૂન) બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. અગાઉ સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચીને વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષ વાવ્યું અને પછી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.
રાષ્ટ્રની હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી
નોંધનીય છે કે વર્ષ 2016માં નાલંદા યુનિવર્સિટીના ખંડેરો (અવશેષો)ને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ 2017માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન ખંડેરોની જગ્યાની પાસે જ બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, 2010 દ્વારા કરવામાં આવી છે. 2007માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી.
ખાસ છે નાલંદા યુનિવર્સિટીનું નવું કેમ્પસ
નાલંદા યુનિવર્સિટીમાં બે એકેડમિક બ્લૉક છે, જેમાં 40 ક્લાસરુમ છે. અહીં કુલ 1900 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં બે ઓડિટોરિયમ પણ છે જેમાં 300 બેઠકો છે. આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં 2 હજાર લોકો બેસી શકે છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. કેમ્પસમાં પાણીને રિસાયકલ કરવા માટેનો પ્લાન્ટ, 100 એકર જળાશયો તેમજ ઘણી સુવિધાઓ છે જે પર્યાવરણને અનુકૂળ છે.
12મી સદીમાં આક્રમણકારોએ નષ્ટ કરી
નાલંદા યુનિવર્સિટીનો ભવ્ય ઈતિહાસ છે. તેની સ્થાપના લગભગ 1600 વર્ષ પહેલા પાંચમી સદીમાં થઈ હતી. અને ત્યારે નાલંદા યુનિવર્સિટી વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી. નિષ્ણાતોના મતે, 12મી સદીમાં આક્રમણકારો દ્વારા આ યુનિવર્સિટીઓને નષ્ટ કરવામાં આવી હતી. લગભગ 800 વર્ષ સુધી આ પ્રાચીન વિદ્યાલયએ ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું.
હ્યુ-એન-ત્સાંગે પણ નાલંદામાંથી શિક્ષણ લીધું હતું
નાલંદા યુનિવર્સિટીનો પાયો ગુપ્ત વંશના કુમાર ગુપ્તા દ્વારા નાખવામાં આવ્યો હતો. પાંચમી સદીમાં બનેલી પ્રાચીન યુનિવર્સિટીમાં લગભગ 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમના માટે 1500 શિક્ષકો હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ એશિયાઈ દેશો ચીન, કોરિયા અને જાપાનથી આવતા બૌદ્ધ સાધુઓ હતા. ઈતિહાસકારોના મતે ચીનના સાધુ હ્યુ-એન-ત્સાંગે પણ સાતમી સદીમાં નાલંદામાં શિક્ષણ મેળવ્યું હતું. હ્યુ-એન-ત્સાંગે તેમના પુસ્તકોમાં નાલંદા યુનિવર્સિટીની ભવ્યતાનો ઉલ્લેખ કર્યો છે. આ બૌદ્ધ ધર્મના બે સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક હતું.