જયેશ રાદડીયાને હાંસિયામાં ધકેલવા પ્રયાસો- વિડીયો વાયરલ
પ્રદેશ ભાજપે મેન્ડેટ અમદાવાદના બીપીન પટેલનો આપ્યો પણ જામકંડોરણામાં અમિત શાહની સભા બાદ રાદડીયાની શક્યતા
રાજકોટ,: દેશમાં સહકારી ક્ષેત્રની અગ્રીમ સંસ્થા ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ અર્થાત્ ‘ઈફકો ‘ની આગામી તા. 9ના યોજાનાર ચૂંટણી ભાજપમાં જ આંતરિક રીતે પણ ભારે રસાકસીભરી બની રહ્યાના નિર્દેશો સાંપડયા છે. ગુજરાતમાં એક ડિરેક્ટરની જગ્યા ઉપર સતત બીજી ટર્મ પૂર્વ કેબીનેટ મંત્રી, જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું પણ તેની સાથે ભાજપના અન્ય ત્રણ નેતાઓએ ઉમેદવારી નોંધાવતા ભારે વિવાદ સર્જાયો છે.
એક તરફ લોકસભાની ચૂંટણીનો ગરમાવો છે ત્યારે બીજી તરફ સહકારી ક્ષેત્રની આ ચૂટણીમાં ધમાસાણ જોવા મળ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ગુજરાત પ્રદેશ ભાજપ કે જે હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પણ મેન્ડેટ આપવાનુ, ઉમેદવાર પસંદ કરવાનું શરૂ કર્યું છે તેણે અમદાવાદના બીપીન નારણભાઈ પટેલ (ગોતા)ના નામનો મેન્ડેટ આપ્યો છે જ્યારે આ જ સીટ માટે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કના વડા અને રૂપાણી સરકારમાં કેબીનેટ મંત્રી રહેલા જયેશ રાદડીયાએ ઉમેદવારી નોંધાવી છે. ઉપરાંત હવે મોડાસાના પંકજ નરશીભાઈ પટેલ અને માણાવદરના વિજય દેવજીભાઈ ઝાટકીયાએ પણ ઉમેદવારી નોંધાવતા એક જગ્યા માટે ચાર ઉમેદવારો આવ્યા છે. આ અંગે રાદડીયાનો સંપર્ક સાધતા જણાવ્યું કે આઠ બેઠક તો ફેડરેશનની છે અને તેમાં દિલિપભાઈ સંઘાણીએ ફોર્મ ભર્યું છે જ્યારે મેં ડિરેક્ટરની એક બેઠક માટે ફોર્મ ભર્યું છે તેમાં અન્ય ત્રણ ઉમેદવારો પણ છે. હવે પાર્ટી આગળનો નિર્ણય લેશે.
એક તરફ, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જામકંડોરણામાં આચારસંહિતા વચ્ચે સભા યોજાઈ તેમાં મેદની વગેરેની દ્રષ્ટિએ તે સફળ રહેતા અને ગૃહમંત્રીએ રાદડીયાના નિવાસસ્થાને ભોજન લેતા એવી વાત વહેતી થઈ કે અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે અને રાદડીયા ફરી ડિરેક્ટર બનશે.
પરંતુ, બીજી તરફ ઉપરોક્ત ચારની ઉમેદવારી, રાદડીયા સિવાયનાને મેન્ડેટના પગલે જેતપુરથી અહેવાલ મૂજબ આજે જેતલસરના આગેવાન દિલિપ ભુવાનો વિડીયો વાયરલ થયો છે અને ભાજપના નેતાગીરી સામે આક્ષેપો કરાયા છે. જયેશ રાદડીયા જેવા મજુરિયા નેતાઓને સાઈડલાઈન કરવાની હીલચાલ થઈ રહ્યાનો આક્ષેપ પણ કરાયો છે. રાદડીયાને હાંસિયામાં ધકેલી દેવા તેની સામે ભાજપની જ એકટોળકી સક્રિય થયાનો આક્ષેપ કરાયો છે.