વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોડી રાતે બાળકો પાસે મજૂરી કામ કરાવી શોષણ કરતાં સમોસાના બે હોલસેલર વેપારીની પોલીસે અટકાયત કરી બે બાળકોને મુક્ત કરાવ્યા હતા.
માંજલપુર અલવાનાકા પાસે ચતુરાઈ નગરમાં સમોસાના હોલસેલર વેપારી દ્વારા મકાનમાં બાળકોને બોલાવી મજૂરી કામ કરાવવામાં આવતું હોવાની વિગતો મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડયો હતો.
મહિલા પીઆઇની ટીમે ઉપરોક્ત સ્થળેથી 12 અને 15 વર્ષની વયના બે બાળ મજૂરોને છોડાવ્યા હતા. તેઓની પૂછપરછ દરમિયાન તેઓની પાસે 3 થી 9 વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હોવાની અને બધામાં 9000 રૂપિયા પગાર ચૂકવાતો હોવાની વિગતો ખુલી હતી.
પોલીસે આ બનાવમાં વેપારી રામલાલ લોંગરજી ડાંગી અને નરેન્દ્ર ખેમરાજ ડાંગી (બંને રહે ચતુરાઈ નગર, અલવા નાકા ,માજલપુર મૂળ ઉદયપુર, રાજસ્થાન) ની સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરવામાં આવી હતી.