નવા કરારો પ્રમાણે 1800 MK-84 પ્રકારના 2000 પાઉન્ડના બોમ્બ અપાશે આ ઉપરાંત ઘણી મોટી સંખ્યામાં ફાઈટર જેટ્સ પણ આપવામાં આવશે
એક તરફથી અમેરિકા ઈઝરાયલ-હમાસ-યુદ્ધમાં શાંતિ સ્થાપવા કહે છે, તો બીજી તરફ યુનોની સલામતી સમિતિમાં ઈઝરાયલ વિરૂદ્ધ પસાર થયેલા પ્રસ્તાવ સમયે બેઠક છોડીને તેના પ્રતિનિધિ ચાલ્યા જાય છે. તેટલું જ નહીં પરંતુ અમેરિકાએ તાજેતરમાં જ અબજો ડોલરના બોમ્બ અને યુદ્ધ વિમાનો આપવાના કરારો કર્યા છે. સાથે તેમ પણ કહે છે કે, રફારમાં ઈઝરાયલી ભૂમિદળોને આક્રમણ કરતાં તેણે અટકાવ્યું છે. આ અહેવાલો વોશિંગ્ટન પોસ્ટે ગઈકાલે (શુક્રવારે) રજૂ કર્યા હતા.
નવા કરારો પ્રમાણે અમેરિકા ઈઝરાયલને એમ.કે.-૮૪ પ્રકારના ૧,૮૦૦ બોમ્બ આપવાનું છે. તેમજ ૫૦૦ પાઉન્ડના એમ.કે. ૮૨ પ્રકારના ૫૦૦ બોમ્બ આપવાનું છે. તેમ પણ વોશિંગ્ટન પોસ્ટે પેન્ટેગોનના અને વિદેશ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓને ટાંકતાં લખ્યું છે.
અમેરિકા ઈઝરાયલને દર વર્ષે ૩.૮ અબજ ડોલરની સહાય કરે છે. આ ઉપરાંત ઉક્ત સહાય તેણે તત્કાળ રવાના કરવા નિર્ણય લીધો છે. સહજ છે કે આથી આરબ દેશો કે અમેરિકામાં વસતા આરબો બાયડેન વહીવટીતંત્રના આ પગલાંથી નારાજ છે. તેટલું જ નહીં પરંતુ જો બાયડેનની જ પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ પણ નારાજ છે. અત્યારે ગાઝાપટ્ટીમાં વસતાં પેલેસ્ટાઇનીઓ જેઓ કંઈ હમાસના સભ્યો નથી, તેઓ પણ અસામાન્ય અન્ન અછત ભોગવી રહ્યાં છે, કેટલાંક સ્થળોએ તો પીવાના પાણીનાં પણ સાંસાં છે.
તેમાંએ અત્યારે તો ગાઝાપટ્ટીમાં દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તે છે. નીરિક્ષકો તો ત્યાં સુધી કહે છે કે માત્ર અમેરિકા જ નહીં ઓસ્ટ્રેલિયા અને સમગ્ર પશ્ચિમી દેશો ગાઝાપટ્ટીમાં રહેલા પેલેસ્ટાઇનીઓ પ્રત્યે માત્ર લિપ-સીમ્પથી જ દર્શાવે છે ટેકો તો ઈઝરાયલને જ આપે છે.