પાલિતાણા, સિહોર અને ગારિયાધાર પંથકમાં મંગળવારે પણ વરસાદી વાતાવરણ રહ્યું
ભાવનગર શહેરમાં આજે પણ વરસાદે હાથતાળી આપી, શહેરમાં મંગળવારે બપોરે વરસાદી વાતાવરણ સર્જાયા બાદ અમુક વિસ્તારમાં સામાન્ય છાંટા વરસ્યા
ભાવનગર : હાલના દિવસોમાં જિલ્લાના ગારિયાધાર, પાલિતાણા, સિહોર અને જેસરમાં સારો એવો વરસાદ પડયો છે પરંતુ ભાવનગર શહેર તથા અન્ય તાલુકાઓ હજુ પણ વરસાદની રાહ છે. આજે પાલિતાણા, સિહોર અને ગારિયાધારમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. જ્યારે ભાવનગર શહેરમાં આજે પણ વરસાદે હાથતાળી આપી હોય તેમ બપોરે વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ અમુક વિસ્તારોમાં સામાન્ય છાંટા વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની તૈયારી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ૧લી જુન બાદથી જિલ્લાના તાલુકા મથકોમાં મેઘરાજા મહેરબાન છે. આજે પણ જિલ્લાના ગારિયાધાર, પાલિતાણા અને સિહોરમાં વરસાદી માાહોલ રહ્યો હતો. ૧લી જુનથી અત્યાર સુધીમાં છેલ્લા ૧૮ દિવસ દરમિયાન ગારિયાધારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ગારિયાધારમાં સિઝનનો સવા ચાર ઈંચ વરસાદ પડયો છે. જ્યારે બીજા નંબરે પાલિતાણામાં અઢી ઈંચ અને ત્રીજા નંબરે જેસરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. આજે પાલિતાણા, સિહોર અને ગારિયાધાર પંથકમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. આજે સૌથી વધારે વરસાદ પાલિતાણા પંથકમાં નોંધાયો હતો. પાલિતાણામાં આજે બપોેરે ૪ વાગ્યા આસપાસ વરસાદી ઝાપટું વરસ્યું હતું જેમાં ૧૧ મીમી વરસાદ નોંધાયો હતો. પાલિતાણા સિવાય ગારિયાધારમાં આજે બપોર સુધી તડકો રહ્યાં બાદ બપોરે વાતાવરણ પલટાયું હતું અને બપોરે ૧૨થી ૨ દરમિયાન વરસાદનું આગમન થયુ હતું. આજે ગારિયાધારમાં ૪ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સિહોરમાં બપોર બાદ ૭ મીમી વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેરમાં આજે બપોર બાદ વાદળો ગોરંભાયા હતા પરંતુ આજે પણ વરસાદે હાથ તાળી આપી હતી. શહેરના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાંટા વરસ્યા બાદ ફરી તડકો છવાયો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરમાં હજુ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા છે. જિલ્લા કંટ્રોલરૂમના આંકડાઓ અનુસાર ભાવનગર જિલ્લાનો આ સિઝનનો સરેરાશ ૨૪.૬ મીમી વરસાદ નોંધાયો છે.
જિલ્લાના 7 તાલુકામાં સિઝનનો નોંધાયેલો વરસાદ
શહેરમાં દિવસનું તાપમાન ઘટયું, રાતનું વધ્યું
ભાવનગર શહેરમાં આજે ગતરોજની સરખામણીએ મહત્તમ તાપમાન ૧.૬ ડિગ્રીના ઘટાડા સાથે ૩૬.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૦.૫ ડિગ્રીના વધારા સાથે ૨૯.૬ ડિગ્રી નોંધાયું છે. આજે હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા હતું જ્યારે પવનની ઝડપ ૧૮ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૯.૧ ડિગ્રી નોંધાયું હતું.