પ્રદૂષણની સમસ્યા ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પ્રદૂષણના વધતા પ્રમાણ માટે ઘટતાં જતાં ગ્રીન કવર ઉપરાંત વાહનોની વધતી સંખ્યા અને નિયમની ઐસીતૈસી કરીને ધમધમતા ઉદ્યોગો પણ જવાબદાર છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના 189 ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની નોટિસ મળી છે.
સૌથી વધુ ફરિયાદ મળી હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ને 2021-22માં 35, 2022-23માં 86 અને 2023-24માં 68 જેટલી ફરિયાદ ગુજરાતના ઉદ્યોગોને મળી હતી. 2023-24માં જે રાજ્યમાંથી પ્રદૂષણ ફેલાવવામાંથી સીપીસીબને સૌથી વધુ ફરિયાદ મળી હોય તેમાં ઉત્તર પ્રદેશ 87 સાથે મોખરે, ગુજરાત 68 સાથે બીજા, મહારાષ્ટ્ર 61 સાથે ત્રીજા, દિલ્હી 56 સાથે ચોથા, જ્યારે પશ્ચિમ બંગાળ 38 સાથે પાંચમાં સ્થાને છે.
દેશમાંથી કુલ 688 ઉદ્યોગોની ફરિયાદ 2023-24માં સીપીસીબીને મળી હતી. એગ્રો બેઝડ ઈન્ડસ્ટ્રીમાંથી 2022-23માં 10 ફરિયાદ ગુજરાતમાંથી મળી હતી. જેમાંથી 6 ટેક્સટાઈલ, 3 કાગળ, જ્યારે 1 સુગર ઈન્ડસ્ટ્રીની હતી. 2023-24માં 5 ફરિયાદ ટેક્સટાઈલમાંથી મળી હતી. 2023- 24માં કુલ 8 ફરિયાદ એગ્રો બેઝ્ડ ઈન્ડસ્ટ્રીમાંથી સીપીસીબીને મળી છે. જેમાં ટેક્સટાઇલમાંથી 7નો સમાવેશ થાય છે. છેલ્લા 3 વર્ષની સ્થિતિ જોવામાં આવે તો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો અંગેની ફરિયાદ 3 વર્ષમાં બમણી થઈ ગઈ છે.
2021-22માં કુલ 35 ફરિયાદ હતી અને તે હવે વધીને 68 થઈ છે. દેશની વાત કરવામાં આવે તો 2021-22માં 417, 2022-23માં 746 અને 2023-24માં 688 ફરિયાદ મળી છે. અનેક ઉદ્યોથી હવાજ નહીં તેમનો ઔદ્યોગિક કચરો નદીમાં ઠાલવીને જળાશયમાં પણ પ્રદૂષણ ફેલાવે છે. આ પ્રકારે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે માત્ર દંડ નહીં કડક પગલાં પણ લેવામાં આવે તે જરૂરી છે.
છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની કઈ કેમિકલ કંપની સામે ફરિયાદો સીપીસીબીને મળી?
ઓએનજીસી પાઈપલાઈન (આઠમી જૂન 2023), ઓનેઈરો લાઈફકેર લિ. ( 29મી ફેબ્રુઆરી 2024), ઓરિએન્ટલ એરોમિક લિ. નંદેસરી જીઆઈડીસી વડોદરા (30મી જાન્યુઆરી 2024), દીપક નાઈટ્રાઈટ લિ. નંદેસરી જીઆઇડીસી વડોદરા | (30મી જાન્યુઆરી 2024), ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી વિલાયેત પ્લાન્ટ ગ્રાસીન (15મી જાન્યુઆરી 2024), અતુલ લિ. વલસાડ (23મી એપ્રિલ 2024), પનોલી ઈન્ટરમીડિયેટ ( 10મી જૂન 2021, 16મી મે 2023), દીપક નાઈટ્રાઈટ લી. જીએસપી સાયન્સ પ્રા. લિ. (23મી સપ્ટે. 2022), નંદેસરી ફર્ટિલાઇઝર (18મી ઓક્ટો. 2022), ઈશાન ડાઈઝ એન્ડ કેમિકલ (17મી નવે. 2022), કોરોમંડલ સરીગામ વલસાડ (13મી માર્ચ 2023), કેશવકુંજ ઈન્ડસ્ટ્રી (28મી જૂન 2023), અર્ચેન કેમિકલ (ઓગસ્ટ 2023), નવિન ફુલુરિન સુરત (ઓક્ટો 2023), માદાજી ટ્રેડર્સ (23મી માર્ચ 2024), આઈઓસીએલ નંદેસરી (એપ્રિલ 2024), જગન્નાથ હેલોજન્સ (જૂન 2024), યશ કેમેક્સ વટવા (ફેબ્રુઆરી 2023).