દુનિયામાં ટોચનું અને મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ અમેરિકાનું દેવું દિન-પ્રતિદિન વધી રહ્યું છે. કોવિડ મહામારી બાદ સર્જાયેલી હાલાકીમાંથી ઉભરવા માટે અમેરિકી સરકાર દ્વારા મોટાપાયે ખર્ચ કરવામાં આવ્યો હોવાથી દેવામાં સતત વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટનું દેવું 35 લાખ કરોડ ડોલરથી વધી હવે 2.5 અબજ ડોલર થયું છે. 2019 બાદ તેમાં 13 લાખ કરોડ ડોલરનો વધારો થયો છે. જે ભારતની ઇકોનોમી કરતાં ત્રણ ગણું છે.
અમેરિકાનો ડેટ ટુ જીડીપી રેશિયો 122 ટકા થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમાં 19 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. અમેરિકાના ઇતિહાસમાં ફેડરલ ગવર્નમેન્ટના દેવામાં આટલી ઝડપથી ક્યારેય દેવું વધ્યું નથી. સ્થિતિ એ થઈ છે કે, અમેરિકાએ પોતાના દેવામાં ઘટાડો કરવા માટે અન્ય ખર્ચાઓ પર કાપ મૂકવો પડશે.
અમેરિકાનું દેવું દર ત્રણ મહિને વધ્યું
અમેરિકાનું દેવું દર ત્રણ મહિને આશરે 1 લાખ કરોડ ડોલર વધી રહ્યું છે. આ વર્ષે ચાર જાન્યુઆરીના રોજ તે 34 લાખ કરોડ ડોલરે પહોંચ્યું હતું. અગાઉ ગતવર્ષે 15 સપ્ટેમ્બરે 33 લાખ કરોડ ડોલર, 15 જૂને 32 લાખ કરોડ ડોલર હતું. 31 લાખ કરોડ ડોલરથી 32 લાખ કરોડ ડોલર થતાં આઠ મહિના થયા હતા. અમેરિકાની સંઘીય સરકાર પોતાના ખર્ચાઓને કવર કરવા માટે જે ઉધાર લે છે, તે અમેરિકાનું દેવું તરીકે ઓળખાય છે. જે ઝડપથી વધી રહ્યું છે. જો દેવામાં સતત વધારો થતો રહ્યો તો તે 2054માં દેશના જીડીપીના 166 ટકા થશે.
કેટલું નુકસાન?
અમેરિકામાં સરકારની આવક સતત ઘટી રહી છે અને ખર્ચ વધી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેવામાં સતત વધારો એ દેશના અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે યોગ્ય નથી. જો આમ બનતું રહ્યું તો અમેરિકાએ રોજ 1.8 અબજ ડોલર વ્યાજપેટે ચૂકવવા પડશે. જેથી વ્યાજ ચૂકવતાં ચૂકવતાં જ અમેરિકાનું અર્થતંત્ર ધોવાઈ જશે. સરકારે રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ પર થતાં કુલ ખર્ચ કરતાં વધુ પૈસા વ્યાજ પેટે ચૂકવવા પડી શકે છે. ઉલ્લેખનીય છે, દેશનું અર્થતંત્ર કોવિડ મહામારી બાદ હવે સારી સ્થિતિમાં છે. બેરોજગારી ઘટી છે.