૧ જૂનથી જિલ્લા તેમજ તાલુકાકક્ષાના કંટ્રોલ રૂમ શરુ કરાશે
વરસાદ કે વાવાઝોડા સહિતની કોઇપણ પરિસ્થિતિમાં બચાવની કામગીરી માટે પૂર્વ આયોજન અને વ્યવસ્થાપન કરવા માટે કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું
ભુજ : ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તૈયારીઓના ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત પૂર્વ આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરએ ચોમાસા દરમિયાન બચાવ, રાહત તથા કંટ્રોલ રૂમ શરૂ કરવા, જરૂરી ટીમ તથા સંસાધનો સાથે સજ્જ બનવા, તથા કોઇપણ અઘટિત ઘટના ન બને તે માટે જયાં પણ જરૂરી હોય તે સ્થળ સર્ર્વેે કરીને અત્યારથી જ પ્રિવેંશનલ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. તાલુકા વહીવટીતંત્ર આ નોડલ અધિકારીઓના માર્ગદર્શનમાં જરૂરી કામગીરીઓ હાથ ધરશે.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કહ્યું કે, આગામી તા.૦૧ જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ કાર્યરત કરી અને વરસાદ લક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકાકક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે અંગે કામગીરી કરવાની રહેશે.
જિલ્લા કલેકટરએ ઉમેર્યું કે, દરેક તાલુકાકક્ષાએ સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર સહિતના વાહનો, ડ્રાઈવરના સંપર્ક નંબર સાથેની વિગતો અદ્યતન અને હાથવગી રાખવામાં આવે. સ્થળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્થળોનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે. આ પ્રકારની સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા કરવાની થાય તેવા સંજોગોમાં અગાઉથી જ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોની મદદ લેવા માટે જરૂરી આયોજન અને તૈયારી કરવામાં આવે.
જિલ્લાના તમામ કોઝ-વે પર પાણીનું માપ દર્શાવતા સાઇન બોર્ડ સુવાચ્ય હોય તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું. પુલ, કોઝ-વે, નાળાઓ હોય અને સમારકામની આવશ્યકતા હોય તો તે અંગેની વિગતો આગોતરી જ મેળવી તે માટે ઘટતું કરવા તેમણે સૂચનાઓ આપી હતી.
જિલ્લાના તમામ ડેમ ખાતેના વાયરલેસ સહિતના દૂરસંચારના ઉપકરણો કાર્યરત હોય, ડેમ સુધી જવાના માર્ગો કાર્યરત હોય તેની ચકાસણી કરવી અને આવશ્યકતા જણાય તે તમામ બાબતોમાં ઘટતું કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
પીવાના પાણીના વિતરણ પૂર્વ ક્લોરિનેશન થાય તે કાળજી રાખવા સૂચના આપી હતી. વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વવત થઇ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજતંત્રને સૂચના આપવામાં આવી હતી. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, જરૂરી સફાઈ વ્યવસ્થા, દવા છંટકાવ તેમજ અગ્નિશમનના સાધનો કાર્યરત કરી દેવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.
જિલ્લાના દરિયાકાંઠેથી ચોમાસામાં માછીમારી માટે કોઈ બોટ રવાના ન થાય તે માટે મત્યસ્યોદ્યોગ અને તેને લગતી કચેરીઓને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. ખેતીવાડી તેમજ બાગાયત કચેરીને પાક નુકસાનીના કિસ્સામાં સમયમર્યાદામાં અને તાત્કાલીક રીતે સર્વે કામગીરી પૂર્ણ કરી જરુરી વિગતો પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટરએ સૂચના આપી હતી.
જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્યલક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો, મેડિકલ ટીમને તાલીમ આપવી, મેડિકલ કિટ સહિતની તૈયારીઓ અને મેડિકલ ટીમને જે-તે સ્થળ પર સમયસર પહોંચાડવા માટેનું આયોજન કરવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી. પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી વેક્સિનેશન કરવા તથા જરૂરી દવાનો જથ્થો રાખવા જણાવાયું હતું. આ સાથે વરસાદમાં ઘાસચારાની તંગી ન વર્તાય તેમજ ઘાસચારો પલળી ન જાય તે માટે ગોડાઉનની સલામતી સહિતની સમીક્ષા કરવા વનવિભાગને સૂચના આપવામાં આવી હતી.
આપત્તિની સ્થિતિ હોય ત્યારે મીઠાના અગરિયા સહિત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોને રક્ષણ મળી રહે અને તેમની કાળજી લેવામાં આવે તે માટે કામદારો-શ્રમિકોના નામ, તેમના સંપર્ક નંબર, શ્રમિકની કામગીરી સાથે જોડાયેલા માલિકોનો નામ-સંપર્ક નંબરની યાદી તૈયાર કરી તાલુકા-જિલ્લા કંટ્રોલ રૂમ પર હાથવગી રાખવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત ઈમારતો, ટાવર્સ સહિતની બાબતોનો સર્ર્વેે કરવો, જોખમી હોય તેવી ઈમારતો, ટાવરને ધરાશાયી કરવાની સ્થિતિ આવે તો તે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે સંબંધિત કચેરીઓના અધિકારીઓ-વડાઓને કામગીરી કરવા જિલ્લા કલેક્ટરએ વિશેષ સૂચના આપી હતી. એસ.ટી વિભાગને વાહન વ્યવહાર ન ખોરવાય તે માટે સજ્જતા કેળવવા જણાવાયું હતું. શહેરોમાં ખાસ કરીને કેનાલ, નાળા, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઇ તથા ડેમોની કેનાલ તેમજ અન્ય જરૂરી સફાઇ કરવા ખાસ તાકીદ કરી હતી.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનારી શાળા, આંગણવાડી સહિતના સ્થળો પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહે તે અગાઉથી સુનિશ્વિત કરવા બાબતે ઘટતું થાય તે જોવા કલેકટરએ, આઈ.સી.ડી.એસ અને જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી હતી. સર્ગભા મહિલાઓ માટે દવાઓ તેમજ તેમને પ્રસૂતિ માટે સ્થળાંતરીત કરવાની સ્થિતિ માટે વિશેષ તૈયારી કરવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લાના પર્યટન સ્થળો કે નદી, ડેમ જેવા સ્થળો પર નાગરિકો પાણીમાં નહાવા ન જાય તે માટે વાંચી શકાય તે રીતે આવશ્યક બોર્ડ લગાડવામાં આવે અને તકેદારીના યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી. શેલ્ટર હોમમાં જરૂરી સુવિધાની સમીક્ષા કરવા તેમજ ખાસ કરીને તરવૈયાઓની ચોક્કસ માહિતી અપડેટ રાખવા જણાવાયું હતું.