હરિયાણાથી ટ્રકમાં લાવેલા દારૂના કટિંગ વખતે એલસીબીનો દરોડો
નડિયાદ : ખેડા એલસીબીએ રવિવારે રાત્રે ચકલાસીના મહાદેવપુરા તાપીકુઈ વિસ્તારમાંથી કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા બે વાહનો સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય શખ્સો પોલીસને જોઈ નાસી ગયા હતા. આ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મહાદેવપુરા તાપીકુઈ તલાવડી પાસે ખુલ્લી જગ્યામાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો બે ટેમ્પામાં ભરીને હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી ખેડા એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબી ટીમે દરોડો કરતા નાસભાગ મચી ગઈ હતી.
જ્યારે સલીમ મહેબૂબ મુરખાન (રહે. હરિયાણા)નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. એલસીબીએ કન્ટેનર અને અન્ય બે વાહનોની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૮૪ નંગ પેટીમાંથી ૨,૨૦૮ નંગ બોટલો મળી આવી હતી. એલસીબીએ શખ્સની પુછપરછ હાથ ધરતા, દારૂનો જ હરિયાણાથી ઈરફાન બંગાલી લંગડો અને તારીક નામના શખ્સોએ મોકલી આપ્યો હોવાનું અને ઈરફાનની તબીયત સારી ના હોવાથી સલીમ કન્ટેનર લઈને આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ત્રણ શખ્સો બાઈક પર ફતેપુરા રોડ પરથી દારૂ ભરેલા વાહનનું પાઈલોટિંગ કરીને લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જે શખ્સો રેડ દરમિયાન અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. એલસીબીએ રૂ.૧૧.૦૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો, ત્રણ વાહનો, બે મોબાઈલ સહિત કુલ રૂ.૩૯,૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી છ શખ્સો વિરૂદ્ધ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.