જોધપુર વોર્ડમાં વ્હાઈટ ટોપીંગ રોડના કોન્ટ્રાકટરને સૌથી વધુ પાંચ લાખની પેનલ્ટી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં બાંધકામ સાઈટનો કચરો નાંખી ગંદકી કરનારા ત્રણ કોન્ટ્રાકટરને પેનલ્ટી ભરવા સોલિડ વેસ્ટ વિભાગ તરફથી નોટિસ ફટકારાઈ છે.જોધપુર વોર્ડમાં વ્હાઈટ ટોપીંગ રોડના કોન્ટ્રાકટર બી.આર.ગોયેલને સૌથી વધુ રુપિયા પાંચ લાખની પેનલ્ટી ફટકારાઈ છે.
મ્યુનિ.ના ઈજનેર (પ્રોજેકટ) વિભાગ તરફથી કોન્ટ્રાકટર બી.આર.ગોયેલને રાહુલ ટાવર ચાર રસ્તાથી ઓમ ટાવર તથા અશ્વમેઘ ચાર રસ્તાથી ઓમકારેશ્વર મંદિર સુધી વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.રોડ બનાવવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા માટી,પુરણી,રોડાં સહિત નીકળેલો કચરો કનસ્ટ્રકશન એન્ડ ડેબરીઝ માટે નકકી કરવામાં આવેલી સાઈટ ઉપર નાંખવાના બદલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં નાંખી ગંદકી કરી હતી.સરખેજ વિસ્તારમાં કોન્ટ્રાકટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા પાંચા તળાવની સામે આવેલા મ્યુનિ.ના ખુલ્લા પ્લોટમાં બાંધકામ સાઈટમાંથી નીકળેલ કચરો ફેંકી ગંદકી કરતા રુપિયા બે લાખ પેનલ્ટી ભરવા મ્યુનિ.તંત્રે નોટિસ ફટકારી છે.
મકતમપુરા વોર્ડમાં ટી.પી.-૮૫ની ફુટપાથ અને કર્વીંગની કામગીરી દરમિયાન નીકળેલ વેસ્ટનો નિકાલ કરવાના બદલે મુકી રાખી ગંદકી કરતા રુપિયા એક લાખની પેનલ્ટી ભરવા સોલિડ વેસ્ટ વિભાગે નોટિસ આપી છે.