માતર પોલીસ સ્ટેશનમાં માઈન સુપરવાઈઝરે ગુનો નોંધાવ્યો
ખેડા ખાણ ખનીજ વિભાગની તપાસમાં ૧૦,૪૨૪ મેટ્રિક ટન માટી ચોરી કર્યાનું ખૂલતા નોટિસ બાદ કાર્યવાહી
નડિયાદ: માતર તાલુકાના હૈજરાવાદ ગામના પૂર્વ સરપંચના પતિએ ગેરકાયદે ર૫.૭૪ લાખની માટી ચોરી કરી હોવાની ખાણ ખનીજ વિભાગ, ખેડા દ્વારા તપાસ કરતાં માટી ચોરી કરી હોવાનું ફલિત થતા રકમ ભરવા માટે નોટિસ આપી હતી. છતાં આ રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયેલા પૂર્વ સરપંચના પતિ સામે માટી ચોરીની માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માતર તાલુકાના હૈજરાવાદ ગામના પૂર્વ સરપંચના પતિ હસનમીયા હુસેનમીયા મલેક સામે થોડા માસ અગાઉ માટી ખનન કર્યાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા. જેને લઈ ખાણ ખનીજ વિભાગ, ખેડાએ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પૂર્વ સરપંચના પતિ હસનમીયા હુસેનમીયા મલેકે પોતાની માલિકીની સર્વે નંબર ૩૫૦ (જુનો)માંથી અને બાજુમાં આવેલા ગૌચરની જમીન સર્વે નં.૩૪૯ (જુનો) ૪૫૫ (નવો)માંથી મોટી માત્રામાં માટીનું ખનન કર્યાની હકીકત ધ્યાનમાં આવી હતી. જેથી ખાણ ખનીજ વિભાગ ખેડાની ટીમે સ્થળ તપાસણી કરી માપણી કરી નકશા તૈયાર કર્યા હતા. ખાણ ખનીજ વિભાગ, ખેડાની તપાસમાં આ હસનમીયા મલેકે કુલ ૧૦,૪૨૩.૮૪ મેટ્રિક ટન સાદી માટીનું ખનન કર્યાનું ધ્યાને આવ્યું હતું. જેની રકમ કુલ મળીને રૂ.૨૫,૭૪,૦૮૩ વસૂલવાના થતા હતા.
આ બાબતની નોટિસ પાઠવીને સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી હતી. તા.૪/૫/૨૪ ના રોજ હસનમીયા મલેકે નોટિસ બાબતે પોતે બેકસુર હોવાનો લેખિતમાં ખુલાસો રજૂ કર્યો હતો.પરંતુ આ રજૂઆત ગ્રાહ્ય રાખવા જેવી ન હોવાથી અને સંપૂર્ણ ગુનો બનતો હોવાથી તેમજ હસનમીયા મલેક ગુનાની કબૂલાત ન કરતા જિલ્લા ખાણ વિભાગ, ખેડા દ્વારા આ બાબતે માઇન્સ સુપરવાઇઝર સચિનભાઈ પટેલે માતર પોલીસ સ્ટેશનમાં હસનમીયા મલેક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.