મિડલ ઈસ્ટમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલી યુધ્ધની આગ બીજા દેશોને દઝાડી રહી છે.
આ જંગ બાદ અમેરિકાના મિલિટરી બેઝ પર ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા થયેલા હુમલા બાદ વળતા જવાબ રૂપે અમેરિકાએ તાજેતરમાં ઈરાક અને સિરિયામાં એર સ્ટ્રાઈક કરી હતી. આ મામલામાં હવે રશિયા પણ કુદી પડ્યુ છે. રશિયાએ અમેરિકા પર બીનજરૂરી આક્રમક વલણ અપનાવવાનો આરોપ મુકયો છે.
રશિયાએ આ મામલે યુએનની સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી અને તેમાં અમેરિકા અને રશિયા વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો. યુએન સ્થિત રશિયાના રજાદૂત બૈસિલી નેબેન્જિયાએ અમેરિકા પર આંતરરાષ્ટ્રીય કાયદાઓનુ ઉલ્લ્ંઘન કરવાનો આરોપ મુકીને કહ્યુ હતુ કે, અમેરિકા અને તેના સાથી દેશોની હિંસા હવે લેબેનોન, રાતા સમુદ્ર તેમજ યમન સુધી વિસ્તરી ચુકી છે. પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં અમેરિકા વિઘ્ન બની રહ્યુ છે.
રશિયન રાજદૂતે કહ્યુ હતુ કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને બાઈડન સરકારની ઈમેજને ચમકાવવા માટે અને ચૂંટણી પ્રચારમાં લાભ ખાટવા માટે અમેરિકાએ ઈરાક અને સિરયા પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકા કોઈ પણ સંજોગોમાં દુનિયા પર પોતાનુ વર્ચસ્વ કાયમ રહે તે માટે સૈન્ય કાર્યવાહી કરતુ હોય છે.
બીજી તરફ અમેરિકાના નાયબ રાજદૂત રોબર્ટ વૂડે તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે, અમેરિકાના સૈનિકો પર થતા હુમલાની સામે આત્મરક્ષાનો અધિકાર અમારી પાસે છે અને અમે જે પણ કાર્યવાહી કરી છે તે જરૂરી હતી અને જે હુમલો થયો તેના જવાબરૂપે હતી. અમેરિકા મિડલ ઈસ્ટમાં કોઈ સંઘર્ષ ઈચ્છતુ નથી. ગાઝામાં પણ યુધ્ધ રોકવા માટે અમે સક્રિય રીતે પ્રયાસો કરી રહ્યા છે.