ઈલોન મસ્કની X દ્વારા કેન્દ્રનું આદેશ પાલન કરવા સામે અસહમતિ વ્યક્ત કરાઈ હતી
કેન્દ્ર સરકારે કેટલાક એકાઉન્ટ અને પોસ્ટ સામે કાર્યવાહી કરવા માટે X(અગાઉ ટ્વિટર) ને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે આ એકાઉન્ટ અને પોસ્ટ સંભવિત દંડ અને સજાને પાત્ર હોઈ શકે છે. એટલા માટે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે. જોકે કેન્દ્રના આદેશ સામે X એ નારાજગીની સાથે અસહમતિ વ્યક્ત તો કરી પરંતુ છેવટે આદેશનું પાલન કરતાં ઘણાં યૂઝર્સના એકાઉન્ટ અને પોસ્ટને હટાવી દીધા હતા.
X દ્વારા અસહમતિ વ્યક્ત કરાઇ…
આ મામલે એક્સ દ્વારા જણાવાયું કે અમે સરકારના નિર્દેશોને અનુસરીને કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી અંગે યુઝર્સને પણ જાણ કરી દીધી છે. જોકે અમે આ પ્રકારની કાર્યવાહીથી અસહમત છીએ અને આ પ્રકારની પોસ્ટને પણ વાણી સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. અમે અમારા વલણ પર અડગ છીએ અને ભારત સરકારના બ્લૉક કરવાના આદેશો પર રિટ અપીલ બાકી છે. અમે અમારી નીતિ અનુસાર જે યૂઝર્સ સામે કાર્યવાહી કરાઈ છે તેમને જાણકારી આપી દીધી છે. કાનૂની અવરોધોને કારણે અમે એક્ઝિક્યૂટિવ આદેશને પસાર કરી શકતા નથી પરંતુ અમે પારદર્શકતાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં માનીએ છીએ.
વાણી સ્વતંત્રતાનો હવાલો અપાયો
જોકે અભિવ્યક્તિની આઝાદીનો હવાલો આપી ઈલોન મસ્કની કંપનીએ સ્પષ્ટતા કરી કે, “કેન્દ્ર સરકારના આદેશને અનુસરીને, કંપની ફક્ત ભારતમાં જ આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને બ્લોક કરી રહી છે. જોકે, આ પ્રકારની કાર્યવાહીઓ કરવા માટે અમે અસહમત છીએ. અમારું માનવું છે કે અભિવ્યક્તિની આઝાદી આ પ્રકારની પોસ્ટ્સ સુધી લંબાવવી જોઈએ.”