ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવતા ભાવ ફરી ૫૭૦૦૦ ડોલરની નીચે સરકી ગયો
બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)ની મજબૂત માગને પરિણામે બિટકોઈનનો ભાવ ડિસેમ્બર ૨૦૨૧ બાદ પ્રથમ વખત ૫૭૦૦૦ ડોલરની સપાટીને પાર કરી ગયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનના ભાવમાં ૬૦૦૦ ડોલરથી વધુનો ઉછાળો આવ્યો હતો.
છેલ્લા ચોવીસ કલાકમાં નીચામાં ૫૦૯૪૮ ડોલર ભાવ જોવાયો હતો. માર્કેટ કેપની દ્રષ્ટિએ બીજી મોટી ક્રિપ્ટોકરન્સી એથરમનો ભાવ પણ બિટકોઈન પાછળ ઊંચકાઈને એપ્રિલ ૨૦૨૨ બાદની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. એથરમ ૩૨૦૦ ડોલરની સપાટીને પાર કરી ગયો હતો.
એન્ટરપ્રાઈઝ સોફટવેર કંપની માઈક્રોસ્ટ્રેટેજીએ વધુ ૩૦૦૦ બિટકોઈન ખરીદ કર્યાના અહેવાલે પણ બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
છેલ્લા ચોવીસ કલાકમાં ૫૭૦૩૯ ડોલરને આંબીને બિટકોઈન મોડી સાંજે ૫૬૦૦૦ ડોલરની નીચે સરકી ગયો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બિટકોઈનમાં આવેલા ઉછાળાને પરિણામે ક્રિપ્ટોકરન્સીઝની માર્કેટ કેપ વધી ૨.૨૦ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી.
૨૦૨૩માં સતત દબાણ હેઠળ રહ્યા બાદ ૨૦૨૪માં બિટકોઈમાં મોટી તેજી જોવા મળી રહી છે. વર્તમાન વર્ષના પ્રારંભમાં ઈટીએફને મંજુરી મળી ગયા બાદ બિટકોઈનમાં મોટા ખેલાડીઓની લેવાલી નીકળી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. નવેમ્બર, ૨૦૨૧માં બિટકોઈનનો ભાવ ૬૯૦૦૦ ડોલરની સપાટી સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યો હતો.
ભાવમાં મોટી વધઘટને કારણે પણ બિટકોઈન ખેલાડીઓ માટે આકર્ષણનું કારણ રહ્યો છે. બિટકોઈન ઈટીએફને રોકાણકારોની વ્યાપક સ્વીકૃતિ મળવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અમેરિકામાં ચાંદી બાદ બિટકોઈન બીજી મોટી ઈટીએફ કોમોડિટી બની ગઈ છે. ઈટીએફસના લોન્ચિંગ બાદ માગમાં જોરદાર વધારો થતા ૨૦૨૪માં બિટકોઈનમાં અત્યારસુધીમાં ૩૩ ટકા વધારો જોવા મળ્યો છે.
બિટકોઈન ઈટીએફએસમાં અત્યારસુધીમાં ૫.૬૦ અબજ ડોલરનો ઈન્ફલોઝ જોવા મળ્યો છે.