બોગસ બિલિંગ કૌભાંડ મામલે સલીમ દૌલા પાસેથી મહત્વની કડીઓ મળશે?
આ ધરપકડથી આરોપી સાથે સાંઠગાંઠ ધરાવતા જીએસટીના અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓની ચિંતા વધી
ભાવનગર: બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગર સ્ટેટ જીએસટીને મોટી સફળતા મળી છે. આધાર ૨.૦ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવનારા સલીમ દૌલાની ધરપકડ બાદ હાલ તે સાત દિવસના રિમાન્ડ પર છે. છેલ્લા બે માસ કરતા પણ વધારે સમયથી ફરાર આરોપી ઝડપાયા બાદ તેની પુછપરછમાં જીએસટી વિભાગને મહત્વની કડીઓ મળી શકે છે. હાલ આરોપી અમદાવાદમાં છે અને વિભાગ આરોપી પાસેથી પુરાવા અને બોગસ બિલિંગ કૌભાંડ મામલે મહત્વની માહિતી એકઠી કરવા માટે સઘન પુછપરછ કરી રહી છે. બીજી તરફ વેટ અને જીએસટીમાં મોટાપાયે ગેરરિતી આચરનારા સલીમ દૌલા સાથે ભૂતકાળમાં સાંઠગાંઠ ધરાવતા જીએસટીના અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓની ચિંતા વધી છે.
દેશભરમાં બોગસ બિલિંગ કૌભાંડના એપી સેન્ટર રહેલા ભાવનગરમાં સ્ટેટ જીએસટી વિભાગે આધાર ૧.૦ અને આધાર ૨.૦ કૌભાંગ ઉજાગર કરી ભાવનગરમાં ચાલતા બોગસ બિલિંગના ધંધા પર કોરડો વિંઝ્યો હતો. પરંતુ કાયદાની છટકબારીનો ઉપયોગ કરી જામીન પર છુટી જઈ ફરી બોગસ બિલિંગના ગુનાને આરોપીઓ અંજામ આપતા હોવાથી જીએસટી વિભાગે બે કે તેથી વધારે કેસમાં સંડોવાયેલા આરોપી સામે શિકંજો કસવા ગુજસીટોકનું હથિયાર ઉગામી આવા આરોપીઓ પર લગામ લગાવી છે. બીજી તરફ બોગસ બિલિંગ કૌભાંડની તપાસની કડીમાં ભાવનગર સ્ટેટ જીએસટીને વધુ એક મોટી સફળતા મળી છે.
ત્રણ દિવસ પૂર્વે આધાર ૨.૦ કૌભાંડ આચરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અને વ્યવસાયે સીએ એવા બોગસ બિલિંગ કૌભાંડના આરોપી સલીમ દૌલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને કોર્ટે તેના ૩૦મી એપ્રીલ સુધીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. આરોપી હાલ અમદાવાદ છે અને વિભાગ આરોપી પાસેથી પુરાવા અને બોગસ બિલિંગ કૌભાંડ મામલે દસ્તાવેજી અને ડિઝિટલ પુરાવા ઉપરાંત મહત્વની માહિતી એકઠી કરવા માટે સઘન પુછપરછ કરી રહી છે. છેલ્લા બે માસ કરતા પણ વધારે સમયથી ફરાર આરોપી ઝડપાયા બાદ તેની પુછપરછમાં જીએસટી વિભાગને મહત્વની કડીઓ મળી શકે છે. આરોપી વ્યવસાયે સીએ હતો અને વેટ અને જીએસટીમાં મોટા પાયે ગેરરિતી આચરી હોવાની શક્યતાના આધાર પર વિભાગ તપાસ ચલાવી રહ્યું છે. સલીમ દૌલાની ધરપકડ બાદ તેની સાથે ભૂતકાળમાં સાંઠગાંઠ ધરાવતા જીએસટીના અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓની ચિંતા વધી છે કારણ કે પુછપરછમાં જો નામ ખુલ્યા તો અધિકારીઓ કે પૂર્વઅધિકારીઓએ વિભાગીય તપાસનો સામનો કરવો પડી શકે છે.
જીએસટીની કસ્ટડીમાંથી છટકવાના હવાતિયા
મંગળવારે સાંજે જીએસટી વિભાગની ટીમે સલીમ દૌલાને ઝડપી લીધાં બાદ સ્ટેટ જીએસટીની ઓફિસે લાવવામાં આવ્યો હતો. આસિફ દૌલા જેમ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાથરૂમમાંથી નાસી છુટયો હતો તેવી જ રીતે સલીમ દૌલાને ભાવનગર સ્ટેટ જીએસટીની કચેરીએ લાવ્યા બાદ બાથરૂમના બહાને વોશરૂમમાં ગયો હતો અને અંદરથી સ્ટોપર બંધ કરી દઈ લાંબો સમય સુધી બહાર નહી નિકળતા અધિકારીઓએ દરવાજો તોડી તેને બહાર કાઢ્યો હતો. જીએસટીની કસ્ટડીમાંથી બચવા આરોપીએ હવાતિયા માર્યા હતા પરંતુ તેના આ નાટકિય પ્રયાસને અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યો હતો.
કૌભાંડમાં સંકળાયેલા આરોપી પર ગુજસીટોકની લટકતી તલવાર
ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયાં પછી આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી જામીન પર છૂટી જઈ ફરી બોગસ બિલિંગના ધંધામાં લાગી જતાં હોવાનું તપાસમાં ફલિત થતાં બે કે તેથી વધારે કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોકની કલમો લગાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૦ આરોપીઓ પર ગુજસીટોકની કલમો લાગી છે. હાલની સ્થિતિએ મહંમદ ટાટા, મહાવીર અને બીડીબાપુ નામના આરોપીઓ પર ગુજસીટોકની લટકતી તલવાર હોવાનું જાણવા મળ્યું છે.