ગાંધીનગર નજીક આવેલી સુઘડના અષ્ટવિનાયક બંગ્લોઝમાં પૂર્વ રસોઈયાએ સાગરિત ડ્રાઇવર સાથે મળીને લૂંટ ચલાવી હતી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલી સુઘડની અષ્ટ વિનાયક વસાહતમાં વેપારીને બંધક બનાવી રસોઈયા અને ડ્રાઇવર દ્વારા ઘરના લોકરમાંથી ૬૬ તોલા દાગીના અને ૬ લાખ રોકડા મળી ૪૭.૪૩ લાખ રૃપિયાની લૂંટ ચલાવી હતી ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા રાજસ્થાનમાં કેમ્પ કરીને લૂંટના મુખ્ય સૂત્રધાર પૂર્વ રસોઈયાને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય સાગરીતની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર નજીક આવેલા સુઘડમાં અષ્ટવિનાયક – ૩૬ બંગલો નંબર – ૪ માં રહેતા વેપારી અપુર્વભાઈ રામેશ્વરનાથ ખન્ના ગત શુક્રવારની રાત્રે ઘરના રૃમમાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન વહેલી પરોઢે ડ્રાઇવર મનોજ મીણા અને પૂર્વ રસોઈયો અભિષેક ભેરવા તેમના રૃમમાં પહોંચ્યા હતા અને લાકડીથી માર મારવાનું શરૃ કર્યું હતું. અપૂર્વભાઈ આ વ્યક્તિઓનો પ્રતિકાર કરે તે પહેલા જ તેમની ઉપર બેટથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ શખ્સોએ પૈસા નિકાલ તેમ કહી લોકરની ચાવી કાઢી લીધી હતી અને ત્યારબાદ લોકરમાંથી ૬૬ તોલા સોનાના દાગીના છ લાખ રૃપિયા રોકડા તેમજ ત્રણ ઘડિયાળ અને મોબાઈલ બેગમાં ભરી લીધા હતા. દોરીથી તેમના હાથ પગ બાંધી દીધા હતા અને અપૂર્વભાઈનું મોપેડ લઈને આ શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. જે ઘટના સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાને પગલે ગાંધીનગર એલસીબીની પી.આઇ ડી બી વાળા અને એચ.પી પરમારની ટીમો કામે લાગી હતી. દરમિયાનમાં લૂંટ બાદ લઈ જવામાં આવેલું મોપેડ ચિલોડા સર્કલ પાસેથી મળી આવ્યું હતું. જેના પગલે એલસીબીના પીએસઆઇ કે. કે. પાટડીયાને આરોપીના ગામ ઠાકુરવાલી ધાણી, ગામ-બનીયાના જી-દોસા, રાજસ્થાન ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમણે કેમ્પ કર્યો હતો અને આરોપી અભિષેક કૈલાશચંદ ભેરવાને જયપુર હાઇવે રોડ ઉપર આવતા ઝડપી લેવામાં આવ્યો હતો. જેથી તેની ધરપકડ કરીને અડાલજ પોલીસને સોંપવા માટેની તજવીજ શરૃ કરવામાં આવી છે. બીજી બાજુ અન્ય સાગરીત મનોજ મીણાની પણ ધરપકડ કરવા દોડધામ કરવામાં આવી રહી છે.