ગાંધીનગર સિવિલમાંથી ચોરાયેલા બાઈકનો ભેદ ખૂલ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં વાહન ચોરીના બનાવો વધ્યા છે ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલમાંથી પાંચ મહિના અગાઉ બાઇક ચોરીને તેના સ્પેરપાર્ટ જુદા કરીના વેચવા માટે ફરતા યુવાનને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અને ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે સિવિલ હોસ્પિટલ, એસટી ડેપો તેમજ જાહેર સ્થળો ઉપર પાર્ક કરવામાં આવતા વાહનો આંખના પલકારામાં ચોરાઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ પણ સંજોગોમાં આવા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, એક શખ્સ ચોરી કરેલા બાઈકના સ્પેરપાર્ટસ વેચવા માટે ફરી રહ્યો છે અને તે સ્પેરપાર્ટ તેના ઘરમાં સંતાડી રાખ્યા છે.
જે બાતમીના પગલે પોલીસની ટીમે સરગાસણ ઠાકોરવાસમાં રહેતા વિજય રાજેશભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો અને તેના ઘરમાંથી સંતાડેલા બાઈકના અલગ અલગ સ્પેરપાર્ટ્સ પણ કબજે કરી લીધા હતા. જે સંદર્ભે વિજય ઠાકોરની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, પાંચ મહિના અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બપોરના સમયે આ બાઈકની ચોરી કરી હતી અને તે સ્પેરપાર્ટસ જુદા કરીને વેચવા માટે ફરી રહ્યો હતો. જેથી નંબરના આધારે તપાસ કરતા આ અંગે સેક્ટર-૭ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલિને ૨૬ હજારનો મુદ્દામાલ કબજે કરી અલગ અલગ ૨૦ જેટલા સ્પેરપાર્ટ કબજે કરી લીધા હતા. આરોપીની પૂછપરછમાં ચોરીના અન્ય ગુના ઉકેલવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે.