૨૦૨૩ દરમિયાન કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદીમાં ૧,૦૩૭.૩૮ ટનનો વધારો થયો, જે ૨૦૨૨ની રેકોર્ડ ખરીદી કરતાં થોડી ઓછી
ભારતની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવા વર્ષની શરૂઆતમાં ફરી એકવાર સોનાની જંગી ખરીદી કરી છે. નવા વર્ષના પ્રથમ મહિનામાં આરબીઆઈની ખરીદી વધીને ૨૦ મહિનામાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. જો કે ગત વર્ષના છેલ્લા બે મહિના દરમિયાન આરબીઆઈએ સોનું ખરીદવાનું ટાળ્યું હતું.
સોનાના ભાવમાં વધારો કરવામાં કેન્દ્રીય બેંકોની ખરીદીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. સોનાના ભાવમાં હાલમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં જ્યાં સોનું ૬૭,૦૦૦ના સ્તરને પાર કરી ગયું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ ૨,૨૦૦ ડોલરના રેકોર્ડ સ્તરે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના નવીનતમ અહેવાલ મુજબ, જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા ૩૯ ટન સોનાની ચોખ્ખી ખરીદી કરવામાં આવી હતી. આ સતત ૮મો મહિનો છે જ્યારે કેન્દ્રીય બેંકો દ્વારા સોનામાં રોકાણ વધ્યું છે. જે ડિસેમ્બરની સરખામણીમાં બમણા કરતાં પણ વધુ છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન ૧૭ ટન સોનું ખરીદ્યું હતું.
અહેવાલ મુજબ, જાન્યુઆરી ૨૦૨૪માં સૌથી વધુ ખરીદી સેન્ટ્રલ બેંક ઓફ તુર્કી દ્વારા કરવામાં આવી હતી. તુર્કીની સેન્ટ્રલ બેંકે આ સમયગાળા દરમિયાન તેના સોનાના ભંડારમાં ૧૨ ટનનો વધારો કર્યો છે. જાન્યુઆરી ૨૦૨૪ ના અંત સુધીમાં, તુર્કીનો સોનાનો ભંડાર વધીને ૫૫૨ ટન થયો હતો. ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈના ૧૦ ટન સોનું ખરીદવા સાથે બીજા સ્થાને હતી.
જાન્યુઆરી ૨૦૨૪માં આશરે ૯ ટન સોનાની ખરીદી સાથે ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ ત્રીજા ક્રમે આવી હતી. ભારતનો ગોલ્ડ રિઝર્વ હવે વધીને ૮૧૨ ટન થઈ ગયો છે. ઑક્ટોબર ૨૦૨૩ પછી પહેલીવાર ઇમ્ૈંના સોનાના ભંડારમાં કોઈ મહિનામાં વધારો થયો છે. ઉપરાંત, જુલાઈ ૨૦૨૨ પછી આરબીઆઈના સોનાના ભંડારમાં આ સૌથી મોટો વધારો છે.