વૈશ્વિક ચાંદી ઉછળી ઔંશના ૨૫ ડોલરની સપાટી પાર કરી
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી ઔંશના ઉંચામાં ૨૧૭૭ થઈ ૨૧૬૯થી ૨૧૭૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૪.૩૩ વાળા વધી ૨૫ ડોલરની સપાટી તુદાવી ૨૫.૧૭ થઈ ૨૫.૦૨થી ૨૫.૦૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં ઝવેરી બજારોમાં ભાવ ફરી વધી આવ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૫૦૭૩ વાળા રૂ.૬૫૨૬૧ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૫૩૩૫ વાળા રૂ.૬૫૫૨૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૨૪૬૯ વાળા રૂ.૭૩૭૮૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૫૦૦ વધી રૂ.૭૪ હજાર બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૬૭૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૭૫૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલ વધી જતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ જણાઈ હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૩.૩૫ વાળા વધી ૮૪.૮૨ થઈ ૮૪.૫૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૯.૦૪ વાળા વધી ૮૦.૪૮ થઈ ૮૦.૪૯ ડોલર રહ્યા હતા. માગનો આશાવાદ બજારમાં જોવા મળ્યો હતો. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક પણ ઘટયાના વાવડ હતા.
દરમિાન, પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૦ વાળા ૯૪૫ થઈ ૯૩૮થી ૯૩૯ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૬૩ વાળા ૧૦૭૫થી ૧૦૭૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે ૭ મહિનાની ટોચ પરથી આજે ૦.૪૦ ટકા નરમ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.