કેવાયસી પ્રક્રિયામાં ક્ષતિઓ બહાર આવતા પેમેન્ટસ એગ્રીગેટર્સ આરબીઆઈની નજર હેઠળ
ભૂતિયા ખાતાની પણ તપાસ શરૂ થઇ હોવાના અહેવાલ
મુંબઈ : નો યોર કસ્ટમર (કેવાયસી) પ્રક્રિયામાં ક્ષતિઓ બદલ હજુ વધુ ફિનટેક કંપનીઓ સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તરફથી નિયમનકારી પગલાં તોળાઈ રહ્યા છે. જે ફિનટેક કંપનીઓની રિઝર્વ બેન્કે યાદી તૈયાર કરી છે તેમાં જાણીતા પેમેન્ટસ એગ્રીગેટર અને વોલેટ સર્વિસ પ્રોવાઈડરનો પણ સમાવેશ થાય છે એમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
કેટલીક ફિનટેક કંપનીઓ જે અનસિકયોર્ડ લોન બજારમાં કામકાજ કરે છે અને ગ્રાહકો તથા ધિરાણદારો વચ્ચે ઈન્ટરમીડિયેટસની એટલે કે એગ્રીગેટરની ભૂમિકા ભજવે છે તેઓ રિઝર્વ બેન્કની નજર હેઠળ છે.
મની લોન્ડરિંગ તથા ત્રાસવાદ માટે થતી ફાઈનાન્સિંગ પ્રવૃત્તિને પહોંચી વળવા ભારતની નાણાં સંસ્થાઓની એકંદર તૈયારીના ચાલી રહેલા ફાઈનાન્સિઅલ એકશન ટાસ્ક ફોર્સ ઓડિટ દરમિયાન જ આ નિયમનકારી પગલાં શરૂ થયા છે.
કેવાયસી પ્રક્રિયાઓમાં ક્ષતિઓ જણાતા ૩૧મી જાન્યુઆરીના રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટસ બેન્ક સામે પગલાં લીધા હતા. વધુ ચાર જેટલી પેમેન્ટ કંપનીઓ છે જેમાં આવાજ પ્રકારની ક્ષતિઓ જણાઈ રહી છે અને જે આરબીઆઈની નજર હેઠળ છે, એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
દેશની બેન્કોની સરખામણીએ ફિનટેક કંપનીઓમાં કેવાયસી પદ્ધતિ એટલી મજબૂત નહીં હોવાનો દેશના વિવિધ નિયમનકારો મત ધરાવી રહ્યા છે.
વૈશ્વિક એફએટીએફ ધોરણો પ્રમાણે જ ગ્રાહકોના ફન્ડોની ચકાસણી માટે મજબૂત પદ્ધતિ લાગુ કરવા પણ નિયમનકારો વિચારી રહ્યા છે.
કેવાયસી મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ઓનલાઈન પેમેન્ટસમાં ગેરરીતિ અટકાવવા માટે નાણાં મંત્રાલયે ઉદ્યોગના વર્તુળો સાથે કેટલીક વખત ચર્ચા પણ કરી છે. કેવાયસી ક્ષતિઓ ઉપરાંત ભૂતિયા ખાતાની પણ તપાસ ચાલી રહી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ મેક્વાયરે પેટીએમ-વન૯૭ કોમ્યુનિકેશન્સના શેર માટે આવક અંદાજો ઘટાડીને મૂક્યા સાથે શેરનો ભાવ લક્ષ્યાંક ઘટાડીને રૂ.૨૭૫ મૂકતાં શેરોમાં નવેસરથી ગાબડાં પડવાનું ચાલુ થયું હતું. રિઝર્વ બેક ઓફ ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેકને ૨૯, ફેબુ્રઆરી ૨૦૨૪ બાદ પ્રમુખ સર્વિસિઝ ઓફર કરવાનું બંધ કરવા આદેશ આપતાં શેરોમાં પેનિક સેલિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન પેટીએમ પેમેન્ટ્સ બેક વિરૂધ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા) હેઠળ પણ તપાસ શરૂ થયાના અહેવાલ વહેતાં થયા છે.