શંકાસ્પદ શખ્સોની પુછપરછ કરતા ચોરીના ત્રણ મોબાઇલ પણ સેક્ટર-૨૧ પોલીસને મળી આવ્યા
ગાંધીનગરમાં વધતા જતા ચોરીના બનાવોને લઇને પોલીસ એલર્ટ મોડમાં આવી છે ત્યારે બાતમીના આધારે વાહનચોર બે શખ્સને પકડી પાડયા છે જેની પાસેથી ચોરીના ત્રણ મોબાઇલ પણ પોલીસે જપ્ત કર્યા છે અને કાયદેયસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમાં વાહનચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે આ ચોર ગેંગને પકડવા માટે પોલીસની ટીમો સક્રિય થઇ છે તેવી સ્થિતિમાં સેકટર – ૨૧ પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસ જવાનોને બાતમી મળી હતી કે, એક ઇસમ ચોરી કરેલા મોબાઇલ ફોન લઇને વેચવા માટે પ્રેસ સર્કલથી આદિવાડા તરફ જતા રોડ ઉપર સેક્ટર-૨૮ના બગીચા વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યો છે. જેના પગલે પોલીસે તાત્કાલિક આ વિસ્તારમાં પહોંચી જઈ શકમંદ શખ્સોને ઝડપી પાડયો હતો.જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ પ્રવિણ ઉર્ફે હુકમ પરસોત્તમભાઇ ગોહિલ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તો બાઇક વિશે પુછતા તેણે કબુલ્યું હતું કે આ બાઇક પણ તેના મિત્ર રવિન્દ્રસિંહ હિંમતસિંહ વિહોલ રહે.ગોકુળપુરા સાથે મળીને ચોર્યું હતું જેથી પોલીસે રવિન્દ્રને પણ ઝડપી લીધો હતો અને કુલ ૨૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.